જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામે રહેતા વૃધ્ધને કોરોનાનો ભય લાગતો હતો અને અવાર-નવાર આ ભયથી કંટાળીને આપઘાત કરવાનું ગ્રામજનોને કહેતા હતાં. દરમિયાન બુધવારે સાંજના સમયે ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામમાં રહેતા ભીખુભા નરુભા જાડેજા (ઉ.વ.75) નામના વૃધ્ધને કોરોનાનો ભય સતત સતાવતો હતો. આ ભયના કારણે વૃધ્ધે પરિવારજનો તેમજ ગામમાં ‘કોરોના થાય તે પુર્વે મરી જવું છે’ એવું કહેતા હતાં. દરમિયાન ગત તા.12 ના બુધવારે સવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યું હતું. બનાવની મૃતકના પુત્ર રોહિતસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કોરોના થાય તે પૂર્વે ઝેરી દવા પી વૃધ્ધનો આપઘાત
ચાંપાબેરાજાના વૃધ્ધે દવા ગટગટાવી : ‘કોરોના થાય તે પુર્વે મરી જવું છે’ એવું કહેતા હતાં : પોલીસ દ્વારા કાર્યવાહી