જામનગર શહેરમાં પાર્ક કોલોની વિસ્તારમાં આવેલી ડીસીબી બેન્કની હરરાજીમાં ખરીદ કરેલ રૂા. 2.52 લાખની કિંમતનું સોનુ ખોટુ નિકળતા અમદાવાદના વેપારી દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે પોલીસે બેન્ક મેનેજર સહિતના ચાર વ્યક્તિઓ વિરૂઘ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા જવાહર ચોકમાં રહેતા પંકજભાઇ કાંતિલાલ જૈન (ઉ.વ.44) નામના યુવાનની કાલુપરસ્થિત આર્ટ ઇન કોર્પોરેટ નામની પેઢી દ્વારા સુમિત દીપકભાઇ રાણાએ જામનગર શહેરમાં પાર્ક કોલોની વિસ્તારમાં શ્રીપતિ એપાર્ટમેન્ટમાં ફર્સ્ટ ફ્લોર પર 101 અને 102માં આવેલી ડીસીબી બેન્ક દ્વારા શ્રીરામ ઓટો મોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગત્ તા. 13ના રોજ હરરાજી યોજવામાં આવી હતી. આ હરરાજીમાં સુમિતભાઇએ 36854600001625 વાળા પેકેટ નંબર રૂા. 2,52,247માં સોનાની ખરીદી કરી હતી. ત્યારબાદ સુમિતભાઇ દ્વારા આ સોનુ ચકાસણી કરાતાં ખોટું નીકળ્યું હતું. જેથી આર્ટ ઇન કોર્પોરેટ પેઢીના પંકજભાઇ દ્વારા જામનગર ડીસીબી બેન્કના મેનેજર આકાશ પાઠક અને ડેપ્યુટી મેનેજર સંજય ત્રિવેદીને જાણ કરવામાં આવી હતી. પરંતુ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.
જેથી અમદાવાદના વેપારી દ્વારા S.A.M.I.L. કંપનીમાં પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કોઇ પગલાં લેવામાં આવ્યા ન હતા. ઉલ્ટાનું અમદાવાદની કંપનીને તમામ બેન્કની તમામ હરરાજીમાંથી પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. જેથી પંકજભાઇ દ્વારા જામનગર શહેરના સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડીસીબી બેન્કના મેનેજર અને ડેપ્યુટી મેનેજર, સોનાનું મૂલ્યાંકન કરનાર વેલ્યૂઅર, સોનાની ચકાસણી પ્રમાણિત કરનાર ઓડિટર, શ્રીરામ ઓટો મોલ ઇન્ડિયા લિમિટેડ સહિતનાઓ વિરૂઘ્ધ ખોટું ઓડિટ કરી અમદાવાદના વેપારી સાથે રૂા. 2,52,247ની છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતા પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ તપાસ હાથ ધરી હતી.


