રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં વ્યાજખોરી ડામવા માટે હાથ ધરાયેલી સઘન ઝુંબેશ અંતર્ગત જિલ્લા અને તાલુકા મથકોએ પોલીસ વિભાગ દ્વારા જુદાં-જુદાં લોક દરબાર યોજી વ્યાજખોરો સામે વિધિવત ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને મૂકત કરાવી તેમને આર્થિક સહાય માટે જુદી જુદી બેંકોના અધિકારીઓ સાથે રાખી લોન મેળા કેમ્પનું આયોજન કરી સત્વરે આર્થિક સહાય આપવાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજે જામનગર શહેરમાં રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી અને પોલીસ અધિકારીઓ સાથે લોન મેળા કેમ્પ યોજાયો હતો. જેમાં જરૂરિયાતમંદોને સ્થળ પર જ ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતના રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા વ્યાજખોરી ડામવા માટે રાજ્ય વ્યાપી ઝુંબેશ અંતર્ગત પોલીસ દ્વારા લોક દરબાર યોજીને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી અંતર્ગત ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે અને આ ઝુંબેશ અંતર્ગત વ્યાજખોરોના ચૂંગલમાં ફસાયેલા નાગરિકોને મુકત કરાવી તેઓને આર્થિક સહાય મળે તે માટે બેંકો સાથે લોન મેળા કેમ્પ યોજવામાં આવે છે આજે જામનગરમાં રાજકોટ રેંજ આઈજીની અધ્યક્ષતામાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લા પોલીસ દ્વારા જામનગરના નાગરિકોને ગેરકાયદેસર વ્યાજખોરીના ત્રાસથી બચાવવા અને આર્થિક જરૂરિયાતમંદ લોકોને બેંકો પાસેથી સરળતાથી લોન મળી રહે તે હેતુસર જામનગર પોલીસ દ્વારા જામનગર જિલ્લાના તમામ નાગરિકોને બેંક લોન ધિરાણ કેમ્પ દ્વારા માહિતી મળી રહે તે હેતુથી પોલીસ હેડ ક્વાર્ટર શરૂ સેકશન રોડ, જામનગર ખાતે બેંક લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે આઇપીએસ અશોકકુમાર યાદવનું ગાર્ડ ઓફ ઓનરથી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા આઇજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ડીવાયએસપી વરૂણ વસાવા દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને લોન ધિરાણની માહિતી ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને સ્થળ પર જ ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતાં. આમ, જામનગર જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર વ્યાજખોરોને ડામવા માટે ઉત્તમ પગલું ભરવામાં આવ્યું છે.