કોરોનાનું સંક્રમણ વધતા હાલ રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. રાજ્યમાં રોજ 20 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવતા હવે બેન્ક કર્મચારીઓમાં પણ ગભરાટ ફેલાયો છે. મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયન દ્વારા સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (જકઇઈ) સમક્ષ રાજ્યના 60 હજાર જેટલા બેન્ક કર્મચારીઓના હિતમાં કોમન એડવાઇઝરી જાહેર કરવા માંગ કરવામાં આવી છે. આ એડવાઇઝરીમાં બેંકની કામગીરી મર્યાદિત કરવા માંગ કરાઈ છે.
જેમાં કોવિડ પોઝિટિવ રેટમાં ઘટાડો થાય ત્યાં સુધી બેંક અઠવાડિયામાં 5 દિવસ ચાલુ રાખવા, સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધીના વ્યવસાયના કલાકો ઘટાડીને માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખવા તેમજ અન્ય કામગીરી પ્રતિબંધિત કરીને શાખાઓમાં ભીડ ટાળવી જરૂરી છે. કર્મચારી કોરોના પોઝિટિવ જણાય તો બેંકોને 48 કલાક માટે શાખા બંધ કરવાની સલાહ આપવા માંગ કરાઈ છે. મહત્વનું છે કે કોરોનાની બીજી લહેરમાં 15 હજારથી વધુ બેન્ક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા ત્યારે હવે સંક્રમણ વધતા ફરી બેન્ક કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના રોજેરોજ ફૂંફાડામારી રહ્યો હોય તેવી સ્થિતિ છે. તેવામાં રાજ્યમાં કોરોનાના રોજ નવા 20 હજારથી પણ વધારે કેસ આવી રહ્યા છે. જો કે આજે કોરોનાના કેસમાં આંશિક રાહત મળી હતી.
રાજ્યમાં આજે 21,225 નવા કેસ નોંધાયા હતા. જે કાલની તુલનાએ ઓછા હતા. જેને આંશિક રાહત કહી શકાય. બીજી તરફ 9245 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,95,730 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિકવરી રેટ પણ ઘટીને 98.58 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રાજ્યના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 2,10,600રસીના ડોઝ અપાયા હતા.