દ્વારકા પંથકના સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે ત્રાસ આપી અને કહેર વર્તાવતી બિચ્છુ ગેંગના આરોપીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ગુજસીટોકના કાયદા તળે જેલ હવાલે કર્યા બાદ આ પ્રકરણના બે આરોપીઓ જામીન મુક્ત થતાં આ સંદર્ભે પોલીસની કરવામાં આવેલી પ્રક્રિયા બાદ આરોપીઓના જામીન રદ કરાવી પુન: જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા ના ઓખા મંડળ – મીઠાપુર વિસ્તારમાં સ્થાનિક રહીશો સાથે ઝઘડો, મારામારી, ખંડણી અને લૂંટ જેવા ગુનાઓ આચરીને ત્રાસ આપવા સબબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા મીઠાપુર પંથકની કુખ્યાત બિચ્છુ ગેંગ સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરી અને આ ટોળકીના સભ્યોને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા.
આશરે બે વર્ષના સમયગાળા દરમિયાન જેલમાં રહેલા આરોપીઓ જામીન મુક્ત થતા આવા આરોપીઓ પુન: અહીં આવી અને ગંભીર ગુનાઓને અંજામ આપે તેવી દહેશત સાથે વચ્ચે અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડ દ્વારા તાજેતરમાં જામીન પર મુક્ત થયેલા ટોબર ગામના રાયદે ટપુભા કેર અને રંગાસર ગામના લાલુભા સાજાભા સુમણીયા નામના બે આરોપીઓ સામેના વિવિધ દસ્તાવેજી આધારો તૈયાર કરાવી અને કોર્ટમાં રજૂ કરતા આ પ્રકરણમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણી દ્વારા સ્પેશિયલ ગુજસીટોક કોર્ટ સમક્ષ કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી અને અદાલતે આરોપીઓના જામીન રદ કરવા માટેનો હુકમ કર્યો હતો.
આ પ્રકરણમાં આરોપીઓનું ધરપકડ વોરંટ ઇસ્યુ કરતા પોલીસ ટીમે ઉપરોક્ત બંને આરોપીઓને ઝડપી લઇ અને પુન: રાજકોટની જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે આ પ્રકારે ચાર આરોપીઓના જામીન રદ કરાવી અને તેઓને જેલમાં મોકલી, કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ સમગ્ર કામગીરી રાજકોટની ગુજસી ટોક કોર્ટના સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી, ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડ. એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, મીઠાપુરના પી.આઈ. ટી.સી. પટેલ અને ટીમ દ્વારા કરવામાં આવી હતી.