ઈન્સ્ટાગ્રામ મારફત મિત્રતા બાંધી વીડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવાના કેસમાં મુંબઇના આરોપીને જામનગરની કોર્ટે જામીન મંજૂર કર્યા છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર ખાતે વસવાટ કરતી 25 વર્ષની અપરિણીત સ્ત્રીએ જામનગર સિટી એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 15-8-2021 ના રોજ ઈન્સ્ટાગ્રામ ઉપર હુશેનઅલી ઓફિસીયલ નામના એકાઉન્ટમાંથી એક યુવક સાથે મિત્રતા થઈ હતી અને તેઓ ઈન્સ્ટાગ્રામ મારફત વાતચીત કરતા હતાં. બંને વચ્ચે બે વર્ષ જેટલી મિત્રતા રહી હતી આ દરમિયાન ભોગ બનનાર અને હુશેનઅલી જામનગરમાં હોટલમાં મળતા હતાં. ત્યારબાદ આરોપીએ યુવતીની પજવણી ચાલુ કરી યુવતીને તેના પરિવારજનોને હોટલમાં મળતા હોવાની વાત કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતાં. જેથી યુવતીએ આરોપી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જેનો ખાર રાખી આરોપીએ ભોગ બનનારના માતા-પિતાને ફોન કરી જણાવ્યું હતું કે, તે તેની દિકરી સાથે પ્રેમ કરે છે જો તેના લગ્ન નહીં કરાવે તો તેને હેરાન કરી નાખીશ તેવી ધમકી આપી હતી.
જેથી સમગ્ર બાબત અંગે ભોગ બનનારને તેના માતા-પિતાને હકિકત જણાવી હતી. ત્યારબાદ આરોપીએ તેના માતા-પિતાને જણાવ્યું હતું કે, તારી દિકરી પાછળ ઘણાં ખર્ચા કર્યા છે. પૈસા આપજો નહીંતર બદનામ કરી નાખીશ. ભોગ બનનારની બીજે સગાઈ કરાતા આ અંગેની આરોપીને જાણ થતા આરોપીએ ભોગ બનનારના થનાર પતિને પણ ફોન કરી બંને વચ્ચે મિત્રતા હોવાનું જણાવી ભોગ બનનારના એકાંતનો ફોટો મોકલી હેરાન પરેશાન કર્યા હતાં. આ અંગેની સિટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાતા આરોપીને મુંબઇથી ઝડપી લઇ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જેથી આરોપી દ્વારા અદાલત સમક્ષ જામીન અરજી કરી હતી.
અદાલતમાં જામીન અરજી દાખલ થતા ફરિયાદ પક્ષે રજૂ થયેલ દલીલો તથા રેકર્ડ ધ્યાને લઇ દલીલો માન્ય રાખી આરોપી હુશેનઅલી ઈરફાનઅલી અબ્દુલહુશેન સુરતીને જામીન મુકત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર.ગોહિલ, રજનીકાંત આર. નાખવા તથા નિતેશ જી. મુછડિયા રોકાયા હતાં.