ભારતની સ્ટાર મહિલા રેસલર્સ બબીતા ફોગાટ અને ગીતા ફોગાટની પિતરાઇ બહેન રિતિકા ફોગાટેએ સોમવારે રાત્રે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય કક્ષાની સબ જુનિયર ટૂર્નામેન્ટની અંતિમ મેચમાં હારને કારણે રિતિકાએ આ પગલું ભર્યું હતું. તેણે પોતાના કાકા મહાવીર ફોગાટના ગામ બલાલીમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. હાલમાં પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેમના સગાસબંધીઓને સોંપી દીધો છે.
અહેવાલ મુજબ, 17 વર્ષિય રિતિકા છેલ્લા પાંચ વર્ષથી તેના કાકા મહાવીર ફોગાટ સાથે કુસ્તીની તાલીમ લઈ રહી હતી. રિતિકાએ 12 થી 14 માર્ચ દરમિયાન રાજ્ય કક્ષાની સબ જુનિયર ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં જ, રિતિકા 14 માર્ચે અંતિમ મેચમાં હારી ગઈ હતી. આ હારથી નિરાશ થઈને તેણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લિધો છે. આ ટુર્નામેન્ટમાં દ્રોણાચાર્ય એવોર્ડ જીતનાર મહાવીર ફોગાટ પણ હાજર હતો. રિતિકાએ આ ટૂર્નામેન્ટની તૈયારી ઘણા સમય પહેલા કરી હતી. પરંતુ અંતિમ મેચમાં હારી જવાને કારણે તે આઘાતમાં પડી ગઈ અને ત્યારબાદ 15 માર્ચની રાત્રે તેણે દુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધો.
મૃતક કુસ્તીબાજનાં પિતરાઈ ભાઈ હરવિન્દ્ર ફોગાટે કહ્યું હતું કે રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં હારવું એ મોટી વાત નથી. મને નથી ખબર કે રીતિકાને કેવું લાગ્યું અને તેણે આવું પગલું ભર્યું. મહાવીર રે અને રીતિકાના પિતા મેનપાલ પણ રેસલિંગ દરમિયાન રીતિકા સાથે હતાં. હાર્યા બાદ રિતિકાને વિજય અને હારનું મહત્વ પણ કહેવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં સખત મહેનતને કારણે તે ફરીથી મેદાનમાં ઉતરશે એમ જણાવ્યું હતું. પોલીસ દ્રારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.