ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત ‘આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે આજે જામનગર શહેર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ યાત્રા અંગેની માહિતી આપી હતી.
ભારતીય જનતા યુવા મોરચો દ્વારા આઝાદીના 75 વર્ષ ઉજવણી અનુસંધાને ‘આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો 6 એપ્રિલે ભાજપાનો 42 ના સ્થાપના દિવસથી પ્રારંભ થશે. પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટના નેતૃત્વમાં તા.6 થી 25 એપ્રિલ સુધી રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરોમાં 7500 કિ.મી.ની યાત્રા નિકળશે. જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ પ્રદેશ ભાજપા યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવશે. આ યાત્રાનો ઉદેશ વિર શહીદ અને સ્વતંત્ર સેનાની જેણે દેશ માટે પોતાનું સંપૂર્ણ જીવન અર્પણ કર્યુ છે તેના પરિવારની મુલાકાત કરી તેમના ઘરની માટી એક કળશમાં એકત્રિત કરવામાં આવશે અને જ્યાં જ્યાં સ્વતંત્ર સેનાની પ્રતિમા તેમની સાથે જોડાયેલ સ્થાન પર પૂષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.
જામનગરમાં આ યાત્રા ત્રણ તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ તબકકામાં તા.6 એપ્રિલના રોજ જામનગર ઉત્તર (78) વિધાનસભા મત વિસ્તારમાં આ યાત્રા નિકળશે અને તા.7 એપ્રિલના રોજ જામનગર દક્ષિણ (79) વિધધાનસભા મત વિસ્તારમાં આ યાત્રા યોજાશે. ત્યારબાદ પ્રદેશ ખાતેથી તા.12 ના રોજ યાત્રા જામનગર પહોંચશે જે શહેરના વિવિધ વોર્ડમાં ફરશે જેમાં વિવિધ સંસ્થાઓ, સામાજિક સંગઠનો, એનજીઓ દ્વારા યાત્રાનું સ્વાગત થશે. ત્યારબાદ જાહેરસભા યોજાશે. જામનગરના રમેશભાઈ વિક્રમભાઈ જોગલ, હરીલાલ મકવાણા તથા અશોકસિંહ જાડેજા શહીદોના ઘરે જઇ યુવા મોરચા દ્વારા તેમને મળી માટી એકત્ર કરાઈ છે.
આ પત્રકાર પરિષદમાં જામનગર શહેર યુવા ભાજપા મોરચાના અધ્યક્ષ દિલીપસિંહ જાડેજા, યુવા મોરચા મહામંત્રી ચિંતન ચોવટીયા તથા વિરલ બારડ, ઉપાધ્યક્ષ અને કાર્યક્રમ ઈન્ચાર્જ દુષ્યંત સોલંકી, કળશના ઈન્ચાર્જ કરશન ડેર તથા મીડિયા વિભાગના ઈન્ચાર્જ ભાર્ગવભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતાં.