આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 13થી15 ઓગષ્ટ દરમિયાન દેશના 20 કરોડથી વધુ ઘરોમાં રાષ્ટ્ર ધ્વજ તિરંગો લહેરાવવામાં આવશે. આ પ્રયાસમાં બધા સરકારી અને ખાનગી સંસ્થાઓ સામેલ થશે.
લોકો પોતાના ઘરો પર ઝંડો લહેરાવી તેની સેલ્ફી સમર્પિત વેબસાઈટ પર મુકશે તો તેનાથી અભિયાનને ગતિ મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે બધા રાજયોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર પ્રદેશોના ઉપરાજયપાલો અને પ્રશાસકોની સાથે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંવાદ કરીને આ જાણકારી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ અમૃત મહોત્સવને નવી રીતે ઉજવવાનો સંકલ્પ લીધો છે. હર ઘર તિરંગા કાર્યક્રમ દરેક નાગરિકમાં દેશભક્તિની ભાવનાને ઉચ્ચતમ સ્તર પર લઈ જવાનો કાર્યક્રમ છે.
તેમણે જણાવ્યું હતું કે દેશમાં 20 કરોડથી વધુ ઘર અને 100 કરોડથી વધુ લોકો ત્રણ દિવસ સુધી પોતાના ઘરમાં તિરંગો લહેરાવશે. આ કાર્યક્રમમાં રાજય સરકાર અને જનતાની જવાબદારી ખૂબ જ જરૂરી છે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે 22 જુલાઈએ બધા નાગરિક પોતપોતાના બધા પ્રકારના સોશ્યલ મીડીયા એકાઉન્ટ અને વેબસાઈટોના હોમ પેજ પર તિરંગો લગાવશે.આ સિવાય તા.11 થી 14 ઓગષ્ટ સુધી દરેક ગામોમાં પ્રભાત ફેરી યોજાશે. જેમાં બધા રાજકીય પક્ષો, સરકારી સંસ્થાઓ, એનજીઓ વગેરેએ યોગદાન આપવું જોઈએ. આ દરમિયાન આબાલ વૃદ્ધ હાથમાં તિરંગો લઈ પ્રભાત ફેરી કાઢશે. ગૃહમંત્રી અમિત શાહે આઝાદીના અમૃત મહોત્સવે દેશની આઝાદી માટે નામી-અનામી શહીદોના બારામાં દેશની યુવા પેઢીને જાગૃત કરવામાં આવે.