જૂનાગઢમાં દર વર્ષે ભવ્ય વાર્ષિક કાર્યક્રમ લીલી પરિક્રમા યોજાય છે. જેમાં દર વર્ષે 7 લાખથી વધુ લોકો જોડાય છે. ત્યારે આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા પર સંકટના વાદળો ઘેરાયા છે. ભારે વરસાદના કારણે લીલી પરિક્રમાનો માર્ગ ધોવાય ગયો છે. ત્યારે તંત્ર ગડમથલમાં મુંકાઇ ગયું છે. હજુ બે દિવસ વરસાદની આગાહી છે. ત્યારે જ્યાં સુધી વહીવટી તંત્ર મંજૂરી ન આપે ત્યાં સુધી શ્રદ્ધાળુઓએ ન પ્રવેશવા અપીલ કરાઇ છે.
2 નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમાને લઇને તંત્ર મુંઝવણમાં મુકાઇ ગયું છે. વરસાદને પરિણામે તંત્રએ અત્યાર સુધી કરેલી તમામ કામગીરી ખોરવાઈ ગઇ છે. 36 કિ.મી.ના માર્ગને ભારે નુકસાન પહોંચ્યું છે. વન અધિકારીઓએ કાદવ અને તુટેલા રસ્તાઓને કારણે ભારે વાહનો ફસાઈ શકે છે માટે તંત્ર જ્યાં સુધી મંજૂરી ન આપે ત્યાં સુધી ભકતો અને સેવા પ્રદાતાઓને માર્ગમાં પ્રવેશ ન કરવા વિનંતી કરવામાં આવી છે.
વન વિભાગના ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું હતું કે, ઘણાં ભાગો જોખમી બની ગયા છે. સતત વરસાદને કારણે રસ્તો અસુરક્ષિત છે. બાળકો વૃધ્ધો અને બિમાર લોકોએ આ વર્ષે પરિક્રમા ટાળવી જોઇએ. ભકતો તળેટીથી પરિક્રમાની શરૂઆત કરે છે તો વિવિધ પવિત્ર સ્થળોની યાત્રા કરતા તેઓ ભવનાથ સુધી પહોંચે છે. જ્યારે આ વર્ષે હજુ પણ બે દિવસ વરસાદની આગાહી છે. પરિક્રમા રૂટનો રસ્તો ધોવાઈ ગયો છે. જેમાં રીપેરીંગની કામગીરી શરૂ થશે. જૂનાગઢ જિલ્લા કલેકટરે લોકોને અપીલ કરી છે કે 31 ઓકટોબર સુધી કોઇ પરિક્રમા રૂટ પર આવે નહીં. આ સિવાય તંત્રએ અન્ન ક્ષેત્રોને પણ 31 ઓકટોબર સુધી કોઇ પણ વાહનો ન લાવવા અપીલ કરી છે.
કલેકટર, ડીએસએફ અને એસપીએ જણાવ્યું હતું કે, જો પરિક્રમા શરૂ કરવામાં આવે તો પણ વડીલો, બાળકો, બીમાર અને અશકત લોકો પરિક્રમામાં આવવાનું સ્વેચ્છાએ ટાળે તે હિતાવહ છે. જ્યારે ભારે વરસાદની આગાહીના પહેલ 30 જવાનોને એસડીઆરએફ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.


