વન-ડે વર્લ્ડકપમાં સળંગ 10 મેચ જીત્યા બાદ ફાઈનલમાં જ ભારતીય ટીમના ફલોપ પ્રદર્શન અને પરાજયથી કરોડો ભારતીયોના દિલ તૂટી ગયા હતા. બોલીંગ, બેટીંગ અને ફીલ્ડીંગ એમ ત્રણેય મોરચે ઓલરાઉન્ડર દેખાવ કરીને ઓસ્ટ્રેલિયાએ આઠ વર્ષ બાદ ફરી વર્લ્ડ ચેમ્પીયનનું બીરૂદ હાંસલ કર્યુ હતું.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારતીય ટીમ માટે શુકન જ ખરાબ રહ્યા હોય તેમ કપ્તાન રોહિત શર્મા ટોસ હાર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને પ્રથમ દાવ લેવા મેદાને ઉતાર્યુ હતું. રોહિત શર્માના સ્ફોટક 47 રનથી ભારતે પ્રથમ 10 ઓવરમાં જ 80 રન ખડકી દીધા હતા. પરંતુ આ દરમ્યાન ગીલ અને રોહિતની વિકેટ પણ ગુમાવી હતી. શ્રેયસ ઐય્યર ફલોપ ગયો હતો. કોહલિ તથા કે.એલ.રાહુલે વિકેટ બચાવીને રમવાનો પ્રયાસ કરતા ભારતની રનગતિ ઘણી ધીમી પડી ગઈ હતી. 50 ઓવરના છેલ્લા દડે 240 રનના જુમલે ઓલઆઉટ થઈ ગયુ હતું.
ભારત 11 મેચોમાં પ્રથમ વખત ઓલઆઉટ થયુ હતું.ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડકપ જીતવાના ઝનૂન સાથે બુમરાહ તથા મોહમ્મદ શામીએ પ્રારંભીક ઓવરોમાં તરખાટ સર્જીને વોર્નર, મીચેલ તથા સ્મીથને સસ્તામાં આઉટ કરી દેતા ભારત માટે શાનદાર તક ઉભી થઈ હતી પરંતુ ઓસ્ટ્રેલિયાના ઓપનર હેડે 137 રન સાથે શાનદાર સદી તથા લાબુસેને અણનમ 58 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી દીધી હતી. ટુર્નામેન્ટમાં એકપણ મેચ નહીં હારનાર ભારતનો વિજયરથ ફાઈનલમાં જ થંભી ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ તે અટકાવ્યો હતો અને વર્લ્ડ ચેમ્પીયન બનવાનું સ્વપ્ન ચકનાચૂર થયુ હતું. ઓસ્ટ્રેલિયાએ 8 વર્ષ બાદ વિશ્ર્વ ચેમ્પીયનનો તાજ ફરી હાંસલ કર્યો હતો.
આ પુર્વે ઓસ્ટ્રેલિયા 2015માં વિશ્ર્વ વિજેતા બન્યુ હતું. ભારતની હારથી કરોડો ભારતીયોના દિલ તૂટયા હોય તેમ નિરાશા ફરી વળી હતી. જીત બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ મેદાન પર જ ઉજવણી કરી હતી. જયારે ભારતીય ખેલાડીઓના ચહેરા રડમસ થઈ ગયા હતા. આંસુ રોકી શકયા ન હતા. સ્ટેડીયમમાં સંખ્યાબંધ દર્શકોની આંખોમાં પણ આંસુ ઉભરાયા હતા.ભારતને સેમીફાઈનલ-ફાઈનલ મેચોમાં નસીબનો સાથ મળતો ન હોય તેમ 9મી વખત વર્લ્ડ ટુર્નામેન્ટોમાં નિર્ણાયક મેચોમાં જ પરાજય થવુ પડયુ હતું. વન-ડે ક્રિકેટનાં વર્લ્ડકપ ફાઈનલમાં ભારતને હરાવીને ઓસ્ટ્રેલીયા ચેમ્પીયન બન્યુ હતું. જીત સાથે જ ઓસ્ટ્રેલીયન ખેલાડીઓએ મેદાન પર જબરદસ્ત ઉજવણી કરી હતી. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઓસ્ટ્રેલીયન નાયબ વડાપ્રધાન રીચર્ડ માર્લ્સ હાજર રહ્યા હતા અને તેમનાં હસ્તે વિજેતા ટીમના કપ્તાન પેટ કમીન્સને વર્લ્ડકપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.