જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં મહિલાનું મકાન બળજબરીપૂર્વક ખાલી કરાવવાના મામલે કુખ્યાત શખ્સ સહિતના શખ્સો દ્વારા ખંડણીની માંગણી અને ધાકધમકી આપવાના પ્રકરણમાં એક વકીલની સંડોવણી ખુલી હતી. આ પ્રકરણમાં વકીલ અને કુખ્યાત શખ્સ સાથે થયેલી મોબાઇલની વાતચીતની ઓડિયો ક્લિપ મળી આવતાં પોલીસે એડવોકેટ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતી મહિલાનું મકાન બળજબરીપૂર્વક ખાલી કરાવવા માટે દિવ્યરાજસિંહ મંગલસિંહ ચૌહાણ ઉર્ફે દીવલો ડોન, બલભદ્રસિંહ ઉર્ફે ડુંગો પાથુભા જાડેજા સહિતના શખ્સો દ્વારા મહિલા પાસે બળજબરીપૂર્વક ખંડણીની માંગણી કરવામાં આવી હતી. મારી નાખવાની ધમકી આપી મકાનમાં પ્રવેશ કરી તોડફોડ અને ગાળાગાળી કરી હતી. આ પ્રકરણમાં પોલીસે મહિલાના નિવેદનના આધારે એક વકિલના કહેવાથી દીવલા ડોન સહિતના શખ્સો દ્વારા ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદના આધારે પોલીસે જે તે સમયે દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો ડોન અને બલભદ્રસિંહ ઉર્ફે ડુંગો પાથુભા જાડેજા નામના બે શખ્સની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ પ્રકરણમાં પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઇ પી. પી. ઝા, પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન દીવલા ડોન અને વકીલની મોબાઇલ ફોનમાં થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ પોલીસને મળી આવી હતી.
જેના આધારે વકીલ નિર્મળસિંહ દ્વારા દીવલા ડોનને મહિલાના ઘરમાં આતંક મચાવ્યા બાદ મોબાઇલ ફોનમાં થયેલી વાતચીતમાં દીવલો ડોન વકીલને જણાવે છે કે, મહિલાના ઘરમાં પૂરેપૂરી તોડફોડ કરી નાખી છે. તાત્કાલિક અસરથી મકાન ખાલી કરી આપે છે. સામે વકીલ દ્વારા પણ વાતનો સ્વિકાર કરી મહિલા સાથે જાતે જ મોબાઇલ ફોનમાં સ્પીકર રાખી ચર્ચા કરવામાં આવી હતી. દીવલા દ્વારા મહિલા પર દબાણ કરી મકાન ખાલી કરાવવાની કબૂલાત કરાવાઇ રહી છે તેવું જેવા શબ્દો સંભળાઇ રહ્યાં છે. આ પ્રકરણમાં દીવલા ડોનએ એક રિક્ષાચાલકનો મોબાઇલ આંચકી લીધો હતો. તે જ ફોનમાંથી વકીલ સાથે વાતચીત કરી હતી. આ વાતચીતની ઓડિયો ક્લિપ પોલીસને મળી આવતાં પોલીસ દ્વારા એડવોકેટ નિર્મળસિંહની જે તે સમયે અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ નોટીસ આપી મુક્ત કરાયા હતા. પરંતુ હવે ઓડિયો ક્લિપના આધારે પોલીસે વકીલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.


