જામનગર શહેરના પ્રગતિ પાર્ક વિસ્તારમાંથી પસાર થતા વિપ્ર યુવાને તેની માતાની સંપતિમાં ભાગ માગતા મામા-મામી સહિતના છ શખ્સોએ યુવાન ઉપર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નંદનવન સોસાયટી શેરી નં.4 માં રહેતા નાણાવટી ચોક પાસે રહેતાં હાર્દિક મહેન્દ્રભાઈ પંડયા (ઉ.વ.30) નામના વિપ્ર યુવાને તેની માતાના પિયરમાં સંપતિમાં ભાગ માંગ્યો હતો. જે ભાગ આપવો ન હોવાથી રવિવારે સાંજના સમયે હાર્દિક તેના બુલેટ પર જમવાનું લેવા જતો હતો ત્યારે પ્રગતિ પાર્ક વિસ્તારમાં સંજય ઉર્ફે ભાસ્કર દુર્ગાશંકર ત્રિવેદી, માલુબેન સંજય ત્રિવેદી, હાર્દિક સંજય ત્રિવેદી, ગૌરવ સંજય ત્રિવેદી, કિશોર વિશ્ર્વનાથ પંડયા, ગીરીશ દુર્ગાશંકર ત્રિવેદી સહિતના છ શખ્સોએ એકસંપ કરી હાર્દિકને આંતરીને અપશબ્દો બોલી લોખંડના પાઈપ અને છરી વડે જીવલેણ હુમલો કરતા હાથમાં તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. હુમલા બાદ યુવાનને પતાવી દેવાની ધમકી આપી હતી. બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણ થતા પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને ઘવાયેલા યુવાન હાર્દિકના નિવેદનના આધારે સંજય ઉર્ફે ભાસ્કર દુર્ગાશંકર ત્રિવેદી, માલુબેન સંજય ત્રિવેદી, હાર્દિક સંજય ત્રિવેદી, ગૌરવ સંજય ત્રિવેદી, કિશોર વિશ્ર્વનાથ પંડયા, ગીરીશ દુર્ગાશંકર ત્રિવેદી સહિતના છ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.


