જામનગર શહેરમાં રેલવે કોલોની સિધ્ધાર્થનગર વિસ્તારમાં ચાર માસ પહેલાં મહિલા ઉપર છરી વડે કરાયેલા હુમલામાં સાક્ષી થયેલા યુવક ઉપર બે મહિલા સહિતના ચાર શખ્સોએ યુવક ઉપર છરી પાઈપ અને ધોકા જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી તેમજ ચાર માસ અગાઉ મહિલા ઉપર કરાયેલા હુમલા બાદ ચારેય શખ્સોએ મહિલાને કેસ પાછો ખેંચી લેવા ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બે જુદી જુદી ફરિયાદ નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી હતી.
હત્યાના પ્રયાસની વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્જામ રોડ પરની રેલવે કોલોની સિધ્ધાર્થનગર શેરી નં.4 માં રહેતો અને મજૂરી કામ કરતો ઋત્વીક ઉર્ફે રાહુલ સુરેશભાઈ વરણ નામના યુવકે ચાર માસ પહેલાં તેની બાજુમાં રહેતાં હિનાબેન મકવાણા નામની મહિલા ઉપર કાનો ઉર્ફે ભયો ધનજી પરમાર નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલાના બનાવમાં પોલીસ ફરિયાદમાં ઋત્વીક પંચ સાક્ષી તરીકે રહ્યો હતો. જેનો ખાર રાખી શનિવારે સાંજના સમયે રામીબેન ધનજી પરમાર, કાનો ઉર્ફે ભયો ધનજી પરમાર, રીનાબેન ધનજી પરમાર, જોશના ધનજી પરમાર નામના ચાર શખ્સોએ એકસંપ કરી ઋત્વીકને આંતરીને ‘તું હિનાના કેસમાં કેમ સાક્ષી બન્યો છો ? તારે જીવવું નથી, હિના તો બચી ગઈ પણ તું જીવતો નહીં રહે. કોર્ટમાં જતો નહીં અને જો કોર્ટમાં કંઇ બોલ્યો તો તારી માં તારું જીવતું મોઢું નહીં જુએ, અહીં કેટલાંય આવીને વયા ગયા તારો પતો નહીં મળે’ તેમ કહી છરી અને પાઈપ તથા ધોકા વડે ઋત્વીક ઉપર જીવલેણ હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા ઋત્વીકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાનું હોસ્પિટલના સુત્રોએ જણાવ્યું હતું.
તેમજ ચાર માસ અગાઉ હિનાબેન મકવાણા ઉપર કરાયેલા હુમલા બાદ પોલીસ ફરિયાદનો ખાર રાખી રામીબેન ધનજી પરમાર, કાનો ઉર્ફે ભયો ધનજી પરમાર, રીનાબેન ધનજી પરમાર, જોશના ધનજી પરમાર નામના ચાર શખ્સો એ એકસંપ કરી અપશબ્દો બોલી ‘તારો એક સાક્ષી તો ઉડયો છે, તું છરીથી બચી ગઈ છો હવે જો તારો કેસ પાછો ખેંચી લે નહીં તો કોર્ટમાં પહોંચવા જેવી નહીં રાખીએ અને પતાવી દેશું, તારા બધા સાક્ષીઓને એક એક કરીને પતાવી દેશું’ તેવી ધમકી આપી હતી.
ઉપરોકત બનાવમાં પીઆઈ પી.પી. ઝા તથા સ્ટાફે ઋત્વીકના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ હત્યાનો પ્રયાસ અને હિનાબેનના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ધમકીનો ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.