જામનગર શહેરના અંધાશ્રમ આવાસ ચોકમાં અગાઉની માથાકૂટનો ખાર રાખી સમજાવવા ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કરી યુવાનના બાઈક ઉપર કાર ચડાવી દઈ પછાડી દીધાના બનાવમાં પોલીસે એટ્રોસિટી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ પાછળ આવેલા દવાબજાર કોલોનીમાં રહેતાં અને મજુરી કામ કરતા ધર્મેન્દ્ર ઉર્ફે દિપુ કરશન બોચીયા નામના યુવાનના મોટાબાપુ સાથે નાઝીર અને ધમો પરેશ ભટ્ટ નામના શખ્સને અગાઉ માથાકૂટ થઈ હતી. જે માથાકૂટ સંદર્ભે ધર્મેન્દ્ર આ બંને આરોપીઓને સમજાવવા ગયો હતો. જેનો ખાર રાખી બંનેએ ફોનમાં ધર્મેન્દ્રને અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. ત્યારબાદ ધર્મેન્દ્રને ગત તા.6 ના રોજ રાત્રિના સમયે અંધાશ્રમ આવાસમાં બોલાવ્યો હતો. જ્યાં ધર્મેન્દ્ર તથા તેનો મિત્ર ગયા હતાં અને બંને આરોપીઓને સમજાવીને પરત ફરતા હતાં તે દરમિયાન જીતુભા વકતાજી જાડેજા, નાઝીર અને ધમો પરેશ ભટ્ટ નામના ત્રણેય શખ્સોએ એકસંપ કરી ધર્મેન્દ્રની હત્યા નિપજાવવાના ઈરાદે જીજે-05-બીઝેડ-8117 નંબરની સ્વીફટ કારમાં બેસીને કાર ધર્મેન્દ્રના જીજે-10-ડીએલ-7750 નંબરના એકસેસ બાઈક પર કાર ચડાવી દઇ પછાડી દીધો હતો અને પગમાં ઈજા કરી એકસેસમાં નુકસાન પહોંચાડયું હતું.
અંધાશ્રમ આવાસ ચોકમાં એકસેસ ઉપર કાર ચડાવી દઇ હત્યાના પ્રયાસના બનાવમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એસસીએસટી સેલના ડીવાયએસપીએ ધર્મેન્દ્રના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.