જામજોધપુર તાલુકાના સમાણા ગામે આવેલાં તળાવમાં કેટલાક શખ્સોએ તોડફોડ કરી હોવાનું રજૂઆત ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. કેટલાક ચોકકસ વિસ્તારોને ટાર્ગેટ બનાવી નુકસાન પહોંચાડવા માટે કેટલાક શખ્સોનું તળાવ તોડવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે જામજોધપુર મામલતદારે જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવા સરપંચને સૂચના આપી છે.
જામજોધપુર તાલુકાના સમાણા ગામે આવેલા તળાવનો પાળો તોડવા માટે ગામના જ કેટલાક શખસોએ પ્રયાસ કર્યો હોવાની રજૂઆત સમાણાના રહેવાસીઓ જયસુખભાઇ વાઘેલા, ચમનગીરી રામગીરી, દિનેશ રામજીભાઇ, દિનેશ સામતભાઇ વગેરે દ્વારા સરપંચ અને ટીડીઓને કરવામાં આવી છે. જેમાં આક્ષેપ કરાયો છે. કેટલાક ખેડૂતોએ મજૂરો મારફત ડેમનો પાળો તોડી નાખ્યો છે. પરિણામે આ ડેમ તૂટી જાય અને તેનું પાણી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોને નુકસાન પહોંચાડે જો ડેમ તૂટી જાય તો મોટી જાનહાનિની દહેશત પણ વ્યકત કરવામાં આવી છે. ત્યારે તળાવમાં તોડફોડ કરનાર વ્યકિતઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. રહેવાસીઓની રજૂઆત અંગે તાલુકા વિકાસ અધિકારી ડઢાણિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, રહેવાસીઓની રજૂઆતના અનુસંધાને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવા માટે સરપંચને સૂચના આપવામાં આવી છે. જરૂર જણાય તો ફોજદારી ફરિયાદ કરવા પણ જણાવવામાં આવ્યું છે.
જામજોધપુરના સમાણા ગામે વર્ષો જૂનું તળાવ તોડવાનો પ્રયાસ
ગ્રામજનોએ સરપંચ, ટીડીઓને કરી રજૂઆત : જવાબદારો સામે પગલાં લેવા ટીડીઓએ સરપંચને આપી સૂચના