જામનગર શહેરમાં ઈન્દીરા કોલોની વિસ્તારમાં રહેતાં યુવાન ઉપર અગાઉ હુમલો કરાવ્યોનો ખાર રાખી એક શખ્સે છરીના ઘા ઝીંકયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરની શોધખોળ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ઈન્દીરા કોલોની શેરી નં.12 માં રહેતાં અને મજૂરીકામ કરતા સાહિલના મિત્ર રવિએ તેના કાકા ઉપર દોઢ માસ પહેલાં છરી વડે હુમલો કર્યાનો બનાવ સાહિલના કહેવાથી બન્યો હોવાનું મનદુ:ખ રાખી રવિના કાકા શેરસિંગ કિશોર કોળી નામના શખ્સે ગુરૂવારે સવારના સમયે ઈન્દીરા કોલોની વિસ્તારમાં સાહિલને આંતરીને અપશબ્દો બોલતા સાહિલે અપશબ્દો બોલવાની ના પાડતા શેરસિંગે પગમાં છરીનો ઘા ઝીંકયો હતો તેમજ છરીના હાથા વડે આંખમાં નેણ ઉપર મુંઢ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા સાહિલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા ડીવાયએસપી વરુણ વસાવા તથા સ્ટાફે ભોગ બનનાર સાહિલના નિવેદનના આધારે શેરસિંગ વિરુધ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.