જામનગર શહેરમાં બેડી બંદર રોડ પર અભ્યાસ કરતા વિદ્યાર્થીને સમાધાન માટે બોલાવી પાંચ શખ્સોએ બોલાચાલી કરી લોખંડના સળિયા અને લાકડી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડી બંદર રોડ પર આવેલા રાધે ક્રિષ્ના પાર્કમાં રહેતો અને અભ્યાસ કરતા આશિષ રાજાભાઈ ડાંગર નામના વિદ્યાર્થી યુવકને મંગળવારે સાંજના સમયે બેડી બંદર રોડ પર સમાધાન માટે બોલાવી દેવશી આંબલિયા, ધર્મેશ આંબલિયા, ધર્મેશ ધાના આંબલિયા અને બે અજાણ્યા સહિતના પાંચ શખ્સોએ આશિષ સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલી લાકડી અને લોખંડના સળિયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એચ.જે. પરિયાણી તથા સ્ટાફે આશિષના નિવેદનના આધારે પાંચ શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.