જામનગર શહેરમાં ખોજા નાકા બહાર આવેલી રિધ્ધી-સિધ્ધી સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતાં યુવાનની પત્નીએ પોકસોની કરેલી ફરિયાદનો ખાર રાખી સમાધાન ન થવાથી બે શખ્સોએ યુવાન ઉપર છરી વડે તથા લોખંડના પાઈપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ચુનાના ભઠ્ઠા પાસે આવેલી રિધ્ધી-સિધ્ધી સોસાયટીમાં રહેતાં અને મજૂરી કામ કરતા હાજી સીદીક ખફી નામના યુવાનની પત્નીએ અગાઉ પોકસોની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ સંદર્ભે સમીર અલ્લારખા ખફી, વસીમ અલ્લારખા ખફી, અલ્લારખા ખફી નામના શખ્સોએ સમાધાન કરવા માટે હાજી ખફીને અવાર-નવાર ફોન કરતા હોવા છતાં સમાધાન માટે હાજી આવતો ન હતો. આ બાબતનો ખાર રાખી ગુરૂવારે મધ્યરાત્રિના અરસામાં સમીર અલ્લારખા ખફી, વસીમ અલ્લારખા ખફી, અલ્લારખા ખફી નામના ત્રણેય શખ્સોએ હાજી ખફીને માથામાં છરીનો ઘા ઝીંકી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારી અપશબ્દો કહ્યા હતાં. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પીએસઆઈ વી.કે.ગઢવી તથા સ્ટાફે ઈજાગ્રસ્તના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.