જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામની સીમમાં ખેતરે જવાનો રસ્તો બંધ કરી દેવાની બાબતે વાતચીત કરવા ઘરે બોલાવેલા બે મહિલા સહિતના ચાર શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઇપ, તલવાર અને લાકડીઓ સાથે આવી પાઇપ અને લાકડી વડે હુમલો કરી, જાતિ વિષયક અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામના વતની અને હાલ જામનગરના સાધના કોલોની પાછળ આવેલા સિઘ્ધિ વિનાયક પાર્કમાં રહેતા રાજીવભાઇ ઉર્ફે મંગલભાઇ ખીમજીભાઇ વાઘેલા (ઉ.વ.32) નામના યુવાનનું ખેતર ભોજાબેડી ગામની સીમમાં આવેલુ છે. આ ખેતરે જવાનો રસ્તો શામજીભાઇ તથા તેના પુત્ર મિલનએ બંધ કરી દીધો હતો. જે બાબતે રાજીવના કાકા હરેશભાઇએ શામજીભાઇ તથા તેના પુત્રને ફોન કરી ભોજાબેડીમાં આવેલા ઘરે ઘરે બોલાવ્યા હતા. તે દરમ્યાન રાજીવએ રસ્તા બાબતે પૂછપરછ કરતાં પિતા-પુત્રએ, ‘રસ્તો આજે બંધ છે અને કાલે પણ બંધ રહેશે. તમારાથી જાય તે કરી લ્યો.’ તેમ કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. દરમ્યાન મિલનની પત્ની ઉષાબેન તથા મિલનની માતા ચંદ્રીકાબેન ઘરે આવતા શામજીભાઇએ બન્નેને કહ્યું કે, ‘ઘરેથી હથિયાર લઇ આવો. આ લોકોને પતાવી દેવા છે.’ ત્યારબાદ બન્ને મહિલાઓ ઘરેથી તલવાર, પાઇપ અને લાકડીઓ આવતાં મિલનએ રાજીવ ઉપર પાઇપ વડે અને તેની માતા ચંદ્રિકાબેન તથા પત્ની ઉષાબેનએ રાજીવ ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. જાતિવિષયક અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા રાજીવને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એસસી-એસટી સેલના ડીવાયએસપી તથા સ્ટાફ દ્વારા પરિવારના ચાર શખ્સો સામે એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


