Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારવરવાળાના સરપંચ ઉપર હુમલો, હવામાં ફાયરીંગ કરી રિવોલ્વરની લૂંટ

વરવાળાના સરપંચ ઉપર હુમલો, હવામાં ફાયરીંગ કરી રિવોલ્વરની લૂંટ

2025ની સરપંચની ચૂંટણીમાં સરપંચની જીત પચાવી ન શકયા : હારેલા મહિલા ઉમેદવારના ત્રણ પુત્રો દ્વારા લાકડી વડે હુમલો : બચાવ માટે સરપંચએ હવામાં ફાયરીંગ કર્યું : હુમલાખોરોએ માર મારી રિવોલ્વર ઝૂંટવી લીધી : પોલીસ દ્વારા એક હુમલાખોરની રિવોલ્વર સાથે ધરપકડ

જામજોધપુર તાલુકાના ધોરિયાનેશથી ભડાનેશ તરફના વરવાળાના જૂના પુલિયા નજીકથી પસાર થતાં સરપંચની ચૂંટણીનું મનદુ:ખ રાખી સરપંચ ઉપર ત્રણ શખ્સોએ લાકડી વડે હુમલો કરતાં સરપંચએ સ્વબચાવમાં તેના હથિયારમાંથી ફાયરીંગ કરતાં હુમલાખોરોએ સરપંચની રિવોલ્વર ઝૂંટવી લૂંટ ચલાવી ગયાના બનાવમાં પોલીસે હથિયાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના વરવાળા ગામની ગ્રામ પંચાયતની જુન 2025માં યોજાયેલી સરપંચની ચૂંટણીમાં ખેતી કરતાં રામશીભાઇ મેપાભાઇ બેરા (ઉ.વ.65) નામના વૃદ્ધ સરપંચ તરીકે વિજેતા થયા હતા. આ સરપંચની ચૂંટણીમાં તેમના હરીફ ઉમેદવાર હારી જતાં આ ઉમેદવારના પુત્ર બાલુ દેવા મોરી, પ્રફૂલ્લ દેવા મોરી, દીલા દેવા મોરી (રહે. ભડાનેશ, તા. જામજોધપુર) નામના ત્રણ ભાઇઓને તેની માતાની હાર અને રામશીભાઇની જીત પસંદ ન હતી. આ બાબતનો ખાર રાખી રવિવારે સવારના સમયે સરપંચ તેના મિત્ર સરમણભાઇ રામાભાઇ હુણ સાથે બાઇક પર જોડિયાનેશથી ભડાનેશ વચ્ચેના વરવાળા ગામના જૂના રસ્તા પરના પુલિયા નજીકથી પસાર થતાં હતા ત્યારે ત્રણેય ભાઇઓએ સરપંચ અને તેના મિત્રને આંતરીને લાકડીઓ વડે આડેધડ હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

હુમલો કરાતા સરપંચએ તેના સ્વબચાવ માટે તેની પાસે રહેલી પરવાનાવાળી રિવોલ્વર વડે હવામાં ફાયરીંગ કર્યું હતું. પરંતુ હુમલાખોરોએ સરપંચના હાથ ઉપર લાકડીઓ વડે હુમલો કરી લાયસન્સવાળી રિવોલ્વર ઝૂંટવી લૂંટ ચલાવી પલાયન થઇ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત સરપંચને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ એ. એસ.રબારી તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ સરપંચના નિવેદનના આધારે ત્રણ ભાઇઓ વિરૂઘ્ધ હુમલો અને રિવોલ્વરની લૂંટનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ એક શખ્સને લૂંટેલી રિવોલ્વર સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular