જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતા અને ખેતી કરતાં યુવાને રૂા. 50 હજારમાં ખરીદ કરેલી ભેંસ દોહવા ન દેતાં ભેંસ પરત આપવા જતાં કાલાવડ તાલુકાના મોટીવાવડી ગામના બે શખ્સોએ જિલ્લા પંચાયત સદસ્યના પતિને ઢીકાપાટુ અને લાકડી વડે માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતા અને ખેતી કરતાં અશોક ઉર્ફે બૂલેટ અરજણભાઇ ચોવટીયા નામના યુવાને કાલાવડ તાલુકાના મોટીવાવડી ગામમાં રહેતા લાલાભાઇ સાડમીયા અને સંજયભાઇ સાડમીયા પાસેથી રૂા. 50,000ની ભેંસની ખરીદી કરી હતી અને આ ભેંસ સરખી દોહવા ન દેતાં અશોકભાઇ શનિવારે બપોરના સમયે કાલાવડ તાલુકાના મોટીવાવડી ગામમાં લાલા જીવા સાડમીયા અને સંજય ધારીયા સાડમીયા નામના બંને શખ્સોને ભેંસ પાછી આપવા ગયા હતાં અને પૈસા પરત આપવાનું અથવા તો બીજી ભેંસ આપવાનું કહેતા ઉશ્કેરાઇ ગયેલા બંને શખ્સોએ યુવાનને ઢીકાપાટુ અને લાકડી વડે લમધારી અને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં જિલ્લા પંચાયત સદસ્યના પતિ અશોકભાઇના નિવેદનના આધારે હેકો વી.વી. છૈયા તથા સ્ટાફે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.