લાલપુર તાલુકાના ભણગોર ગામે આવેલ પેટ્રોલ પંપે મોટરસાઈકલમાં હવા ભરાવવા ગયેલ શખ્સે પેટ્રોલ પંપના કર્મચારીને પ્લાસ્ટિકના પાઈપ વડે માર માર્યા અંગે ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતાં આલાભાઈ ડાડુભાઈ વરુ નામનો યુવાન પેટ્રોલ પંપમાં નોકરી કરતો હોય ત્યાં આરોપી જયરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા મોટરસાઈકલમાં હવા ભરાવવા માટે ગયો હતો. જ્યાં હવા ભરવાના મશીનનો વાલ્વ બંધ હોય જેથી ફરિયાદીએ આરોપીને કહ્યું હતું કે, વાલ્વ ચાલુ કરી લેજો પછી જ હવા ભરાશે. આથી આરોપી જયરાજસિંહએ ફરિયાદીએ કહ્યું હતું કે, ‘તારાથી થાય તે કરી વાલ્વ બંધ નહીં થાય.’ તેમ કહી જતો રહ્યો હતો.
ત્યારબાદ થોડીવાર પછી ફરી મોટરસાઈકલ લઇને આવી આ બાબતનું મનદુ:ખ રાખી આલાભાઈને જેમ-તેમ અપશબ્દો બોલી પ્લાસ્ટિકના પાઈપ વડે ફરિયાદીને કમર, ઘુંટણ અને પગના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે લાલપુર હેકો એચ.કે. મકવાણા દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.