કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં રહેતા યુવાને પૈસાની બાબતે કરેલી પોલીસ અરજીનો ખાર રાખી એક શખ્સે આંતરીને ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા રણછોડભાઈ રૂડાભાઈ કણજારીયા નામના 41 વર્ષના યુવાન ગઈકાલે રવિવારે ભાટીયા પોલીસ ચોકીએ ગયા હતા અને ત્યાંથી તેઓ તેમના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આ જ ગામના વજશી લખમણ કરંગીયા નામના શખ્સે ફરિયાદી રણછોડભાઈને રસ્તામાં અટકાવી, ધોકો લઈને આવેલા આરોપીએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં વજશી કરંગીયા સામે આઈ.પી.સી. કલમ 324, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદી રણછોડભાઈએ આરોપીના ખેતપેદાશના પૈસા બાબતની (જીરું તથા મગફળી ઉત્પાદનની) પોલીસમાં અરજી કરેલ હોય, ત્યાર બાદ આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.