ભાણવડ તાલુકાના ગુંદલા ગામે આવેલી પવનચક્કી કંપનીના લોકેશનમાં તાજેતરના બીપરજોય વાવાઝોડાના કારણે નુકસાની થવા પામી હતી. જે નુકસાની અંગેનો સરવે કરવા માટેની કામગીરી અર્થે આવેલા સુઝલોન કંપનીના એન્જિનિયર ધર્મેશભાઈ પરસોતમભાઈ સોનગરા (ઉ.વ. 32, રહે. ભાણવડ) તથા અન્ય કર્મચારીઓ પાસે આ જ ગામના લખમણ સામત જોગલ તથા કેશુ આહીર નામના બે શખ્સોએ આવી અને ફરિયાદી ધર્મેશભાઈ તથા તેમની સાથે રહેલા સાહેદોને કામ બંધ કરવાનું કહી, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, પથ્થરોના છૂટા ઘા મારીને ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 337, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ભાણવડ પંથકમાં નુકસાનીનો સર્વે કરવા આવેલા ખાનગી કંપનીના કર્મચારી ઉપર હુમલો
બે શખ્સોએ કામ બંધ કરવાનું કહી પથ્થરના ઘા માર્યા : પતાવી દેવાની ધમકી આપી