Thursday, January 16, 2025
Homeરાજ્યઉછીના પૈસા આપવાની ના કહેતાં આંબરડી યુવાન ઉપર જીવલેણ હુમલો

ઉછીના પૈસા આપવાની ના કહેતાં આંબરડી યુવાન ઉપર જીવલેણ હુમલો

બે શખ્સો સામે ફરિયાદ : માત્ર રૂ. 200 માટે ધોકા વડે યુવાન પર હુમલો કરાયો..?!

- Advertisement -

ભાણવડ તાલુકાના આંબરડી ગામના એક યુવાન પાસે આ જ ગામના એક શખ્સ દ્વારા સામાન્ય રકમ ઉછીની માંગવામાં આવતાં આ રકમ ન આપતા બોલાચાલી બાદ બે શખ્સો દ્વારા આ યુવાન ઉપર ધોકા વડે જીવલેણ હુમલો કરવા સબબનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતા અશોકભાઈ સવજીભાઈ ચૌહાણ નામના 48 વર્ષના સતવારા યુવાન પાસે આજથી આશરે એકાદ માસ પૂર્વે આ જ ગામના અશોક વેજાભાઈ કરમુર નામના શખ્સ દ્વારા ઉછીના પૈસા માટેની માંગણી કરવામાં આવી હતા. આ રકમ આપવાની અશોક ચૌહાણે ના પાડી દીધી હતી.   આ અંગેનો ખાર રાખી ગત તારીખ 1 ઓગસ્ટના રોજ આંબરડી ગામના અશોક વેજાભાઈ તથા શિવા ગામના જયદીપ મેરામણભાઈ રાવલીયા નામના બે શખ્સો લાકડાના ધોકા વડે તૂટી પડ્યા હતા.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ માત્ર રૂપિયા 200 ઉછીના ન આપતા મારી નાખવાના ઈરાદે કરવામાં આવેલા જીવલેણ હુમલાના કારણે અશોકભાઈ ચૌહાણને માથામાં હેમરેજ તથા આઠેક જેટલા ટાંકાઓ સાથે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થાતાં તેમને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આટલું જ નહીં, આરોપી શખ્સો દ્વારા ફરિયાદીને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે બન્ને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 307, 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, અહીંના ડી.વાય.એસ.પી. નીલમબેન ગોસ્વામીના વડપણ હેઠળ આગળની તપાસ પી.એસ.આઈ. એન.એચ. જોષી દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular