જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર નજીક વાહન ઓવરટેક કરવાની બાબતે ત્રણ શખ્સોએ યુવાનને આંતરીને લાકડી અને લાકડાના ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપામાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતો પરેશ અરવિંદભાઈ ધોકિયા નામનો યુવાન ગત તા.8 ના રોજ રાત્રિના સમયે પંચેશ્વર ટાવરથી અપના બજાર તરફ તેના બાઈક પર આવતો હતો તે દરમિયાન પાછળથી બ્રેઝા કારના ચાલકે ઓવરટેક કરી બાઈકને સાઇડમાં દબાવી દીધું હતું ત્યારબાદ પરેશને આંતરીને ધક્કો મારી પછાડી દઇ માથામાં તથા શરીરે માર માર્યો હતો અને સાધના કોલોનીમાં આવીને માથાકુટ કેમ કરશ ? તેમ કહી યુવરાજસિંહ ઝાલા, બિપીન વણકર અને ઉદય નામના ત્રણ શખ્સોએ લાકડી અને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી અને ધમકી આપી હતી કે હવે સાધના કોલોનીમાં બીજીવાર દેખાઈશ તો પતાવી દઈશું.
હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો એસ.એ. દાતણિયા તથા સ્ટાફે પરેશ ધોકિયાના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગર શહેરમાં નજીવી બાબતે યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
‘સાધના કોલોનીમાં માથાકૂટ કેમ કરશ ?’ કહીને લમધાર્યો : લાકડી અને લાકડાના ધોકા વડે માર મારી ધમકી