જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9માં છોકરાઓની મારવાની બાબતે યુવાનને આંતરીને સાત જેટલા શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાંની ગેડીઓ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.7ના છેડે રહેતાં દેવેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા નામના વેપારી યુવાનને મંગળવારે રાત્રીના સમયે વિરલ, રિધિશ સહિતના સાત થી આઠ સહિતના શખ્સોએ પટેલ કોલોની શેરી નં.9માં આંતરીને લાકડાંની ગેડીઓ અને લોખંડના પાઇપ તથા લાકડીઓ વડે ‘અમારા છોકરાઓને કેમ માર્યા?’ તેમ કહી હુમલો કર્યો હતો. આ હુમલામાં દેવેન્દ્રસિંહને હાથમાં અને પગમાં તથા પીઠ અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં બનાવની જાણ થતાં એએસઆઇ એ.બી.ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ યુવાનના નિવેદનના આધારે સાત થી આઠ જેટલાં શખ્સો વિરૂધ્ધ રાયોટિંગ અને હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.