કાલાવડ તાલુકાના બેરાજા ગામના સીમ વિસ્તારમાં યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કર્યાનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર શહેરમાં પોલીસ હેડકવાર્ટર પાસે આવેલા મારૂતીનગરમાં બે શખ્સોએ યુવતીના ઘરે જઈ ધમકી આપી લોખંડના પાઈપ વડે માર માર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના બાંગા ગામના રહેતાં પરબત લાખા વાઘેલા નામના વૃદ્ધનું ખેતર બેરાજા ગામની સીમમાં આવેલું છે અને ખેતરના રસ્તેથી પસાર થતા વૃદ્ધનો પુત્ર ભગવાનજીના બાઈકને ગત તા.1 ના રોજ સવારના સમયે લાખા આણંદ સોલંકી, કારા આણંદ સોલંકી અને વાલા કરશન ભીત નામના ત્રણ શખ્સોએ આંતરીને ‘તારો નાનો ભાઈ પ્રવિણ મારી ભાણેજને ભગાડી અને પ્રેમલગ્ન કેમ કર્યા ?’ તે બાબતનો ખાર રાખી ભગવાનજી ઉપર લાકડી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી અપશબ્દો કહ્યા હતાં તેમજ પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા એએસઆઈ એસ.આર. ચાવડા તથા સ્ટાફે વૃદ્ધના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં પોલીસ હેડકવાર્ટર પાછળ આવેલા મારુતિનગરમાં રહેતાં પૂજાબા મહિપતસિંહ રાઠોડ નામના યુવતીના ઘરે ગત સોમવારે રાત્રિના સમયે તેના જ વિસ્તારમાં રહેતા દિગ્વીજયસિંહ રેવતુભા જાડેજા અને રેવતુભા ભુરુભા જાડેજા નામના બે શખ્સોએ ઘરે આવી યુવતી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યા બાદ પતાવી દેવાની ધમકી આપી અન્ય વ્યક્તિ ઉપર લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં બનાવમાં પોલીસે બે શખ્સો વિરુધ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બેરાજામાં પ્રેમલગ્ન કરનાર યુવાનના ભાઈ ઉપર ત્રણ શખ્સોનો હુમલો
મારી ભાણેજ સાથે કેમ લગ્ન કર્યા ? કહીને લમધાર્યો : પતાવી દેવાની ધમકી આપી : ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી : જામનગરમાં યુવતીના ઘરે આવી ધમકી : બે શખ્સો વિરુધ્ધ કાર્યવાહી