જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાં રહેતાં યુવક ઉપર પ્રેમસંબંધનો ખાર રાખી યુવતીના ભાઈ સહિતના સાત શખ્સોએ રવિવારે રાત્રિના ફડાકા મારી અને છરીના આડેધડ 12 ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ભીમવાસ શેરી નં.3 માં આરીફ દાઉદ થઈમ (ઉ.વ.20) નામના યુવકને આદિત્ય બારૈયાની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. જે બાબતનો ખાર રાખી રવિવારની રાત્રિના સમયે સતિષ નામના શખ્સે આરીફના ઘરે જઈ ‘થોડું કામ છે, ચાલ’ તેમ કહી બહાર લઇ આવ્યો હતો અને ત્યારે આદિત્ય બારૈયા નામના શખ્સે ‘તું મારી બહેન સાથે હજુ કેમ પ્રેમ સંબંધ રાખે છે ?’ તેમ કહી અપશબ્દો બોલી ફડાકો ઝીંકયો હતો ત્યારબાદ સાથે રહેલા ચિરાગ, જયેન્દ્ર, સતિષ, વિપુલ બાંભણિયા, ધુલો અને ધવલ નામના સાત શખ્સોએ એકસંપ કરી છરીના આડેધડ 12 ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડતા આરીફ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. હુમલાખોરો એ હુમલો કરી ધમકી આપી નાશી ગયા હતાં.
ત્યારબાદ ઘવાયેલા યુવાનને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા અહીંની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઈ આરીફના નિવેદનના આધારે સાત શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.