કાલાવડ તાલુકાના બાંગા ગામમાં રહેતાં વૃધ્ધને શખ્સે આંતરીને ‘તારા ઘરના સભ્યોને અમારા ઘરે સત્સંગમાં કેમ આવવા દેતો નથી’ તેમ કહી લાકડાના ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના બાંગા ગામમાં રહેતા અને ખેતી કરતા ગોપાલભાઈ ભુરાભાઈ ચોવટીયા (ઉ.વ.60) નામના વૃદ્ધ બુધવારે સવારના સમયે બજારમાં રમેશ નાથા ચોવટીયાની દુકાન પાસેથી પસાર થતા હતાં ત્યારે રમેશ ચોવટીયા નામના શખ્સે વૃધ્ધ ગોપાલભાઈને આંતરીને ‘તારા ઘરના સભ્યોને અમારા ઘરે સત્સંગમાં કેમ આવવા દેતો નથી’ તેમ કહી અપશબ્દો બોલી બોલાચાલી કરી હતી. જેથી વૃધ્ધે અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા રમેશે દુકાનમાંથી લાકડાનો ધોકો લઇ આવી વૃદ્ધના વાંસાના ભાગે ઘા માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાના બનાવ અંગે ગોપાલભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ એસ.આર. ચાવડા તથા સ્ટાફે રમેશ ચોવટીયા વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


