જામનગર સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં બે દિવસ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે માવઠાની આગાહી વચ્ચે આજે સવારે જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ગાઢ ધુમ્મસ ભર્યુ વાતાવરણ છવાયું હતું. રાજ્યમાં છેલ્લાં થોડા દિવસોથી કડકડતી ઠંડી બાદ છેલ્લાં બે દિવસથી ઠંડીમાં આંશિક રાહત જોવા મળી હતી. આજે વાતાવરણમાં પલટો આવવાના કારણે પરોઢીયેથી જ શહેરમાં ગાઢ ધુમ્મસ છવાઈ હતી. જેના કારણે રસ્તા પર વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફનો સામનો કરવો પડયો હતો. ધુમ્મસના કારણે વીઝીબીલીટી ઘટતા વાહનચાલકોએ વાહનની લાઈટો ચાલુ કરવી પડી હતી. આ ઉપરાંત ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગતરાત્રે તથા આજે વહેલી સવારે ઝાકળભર્યો માહોલ છવાયો હતો.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર દ્વારકા-જામનગર સહિતના વિવિધ શહેરોમાં આજે અને આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે માવઠાની આગાહીને પગલે ખેડૂતો ચિંતીત બન્યા છે. માવઠાની અસર ઓછી થતાં જ રાજ્યમાં કાતિલ ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થાય તેવી સંભાવના પણ જોવા મળી રહી છે. ત્યારે વાતાવરણમાં આવેલા પલ્ટાને કારણે જામનગર સહિત હાલારભરમાં બે દિવસથી તિવ્ર ઠંડીમાંથી શહેરીજનોને આંશિક રાહત મળી હતી. ગઈકાલે ગુરૂવારે લઘુતમ તાપમાન 4 ડિગ્રી જેટલું ઉંચકાયા બાદ આજે ફરીથી 1.5 ડિગ્રી જેટલા તાપમાનના પારામાં વધારો થવાને કારણે કડકડતી ઠંડીનું જોર ઘટયું હતું.
જામનગર કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, જામનગરમાં મહતમ તાપમાન 28.0 ડિગ્રી, લઘુતમ તાપમાન 18.0 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 94 ટકા તથા પવનની ગતિ 8.3 કિ.મી./ કલાક નોંધાઇ હતી. હવામાં ભેજનું પ્રમાણ વધવાને પરિણામે શહેરમાં વહેલીસવારે ઝાકળભીની સવારનો લોકોએ સામનો કર્યો હતો. ઝાકળને પરિણામે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ વધવાની સાથે પવનના કારણે વાતાવરણ ટાઢુબોર રહ્યું હતું. જો કે, તાપમાનનો પારો વધતાં શહેરીજનોએ કાતિલ ઠંડીમાંથી થોડી રાહત મેળવી હતી.
ખંભાળિયા પંથકમાં ઉતરી આવેલી ઝાંકળના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો હતો. આ ઝાકળના વરસાદના લીધે ખાસ કરીને નદી કે પાણીવાળા વિસ્તારોમાં થોડે દૂર સુધી પણ જોવામાં હાલાકી થતી હતી. ઝાકળબિંદુના લીધે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને હાઈ-વે પર એસ.ટી. બસ તથા ખાનગી વાહન ચાલકો નિર્ધારિત સમયે પહોંચી શક્યા ન હતા. આ ધુમ્મસના કારણે ઠંડીનું પ્રમાણ ઘટયું હતું અને ગુલાબી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. ગત સપ્તાહની ગાત્રો થીજવી દે તેવી ઠંડીથી હાલ લોકોએ મુક્તિ મેળવી છે.