મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધ્યા પછી અને મહારાષ્ટ્રમાંથી ગયેલા નાગરિકોએ ગુજરાતમાં કોરોના ફેલાવ્યો છે એવા અનેક કેસ બહાર આવ્યા હતા. ગુજરાત સરકારે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ માટે તમામે વલસાડ જિલ્લાની ભિલાડ ચેક પોસ્ટ ખાતે કડક તપાસ શરૂ કરીને આરટીપીસીઆર નેગેટિવ રીપોર્ટ ફરજિયાત કર્યો હતો. એકતરફ મહારાષ્ટ્રમાં કેસ વધતાં લોકડાઉનની ભીતિ વચ્ચે લોકો પલાયન કરી રહ્યા છે. આથી બોર્ડર પસાર કરીને ગુજરાત પ્રવેશવા માટે ટ્રાવેલ્સવાળાનું બોગસ કોરોના નેગેટિવ રિપોર્ટ આપવાનું મોટું કૌભાંડ મુંબઇ કાશીમીરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે.
પેસેન્જર પાસે 300 રૂપિયા વધારાનો ચાર્જ લઇને ટ્રાવેેલ્સ સંચાલકો કોઇપણ જાતના પરીક્ષણ વિના કોરોના નેગેટિવ રીપોર્ટ આપી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધ્યા પછી ભિલાડ ચેક પોસ્ટ ખાતે અને સંઘપ્રદેશ દમણના આરોગ્ય અધિકારીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા કોરોના નેગેટિવ એવું દર્શાવતો આરટી-પીસીઆર રિપોર્ટ બતાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો આ રિપોર્ટ નહીં હોય તો કાર, બસ કે કોઈપણ વાહન સાથે પ્રવાસીઓને પાછા મહારાષ્ટ્રમાં રવાના કરી દેવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધ્યા પછી આ તપાસ કડક કરવામાં આવી છે. આથી આ બોર્ડર પાર કરવા માટે ઘણા લોકો બોગસ રિપોર્ટનો આશરો લઈ રહ્યા છે.
સોમવારે મધરાત્રે એક ખાનગી બસમાં બોગસ રિપોર્ટ પર પ્રવાસીઓને લઈ જવામાં આવી રહ્યા છે એવી માહિતી પોલીસના સ્ટાફમાંથી નાયક થાપાને મળી હતી. આ માહિતીને આધારે મહારાષ્ટ્રથી ગુજરાત જતી પવન ટ્રાવેલ્સની બસ નંબર જીજે 14 ઝેડ 4590ને મીરા ભાયંદરમાં ફાઉન્ટન હોટેલ ખાતે સોમવારે મધરાત્રે અટકાવી હતી. આ બસમાં કુલ 32 પ્રવાસી બેઠેલા મળી આવ્યા હતા. તે બધાની પાસેના આરટી- પીસીઆર રિપોર્ટ તપાસમાં આવ્યા હતા. તેમાંથી 20 પ્રવાસીના નેગેટિવ કોરોના રિપોર્ટ બોગસ હોવાનું ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ અવિરાજ કુરાડેએ જણાવ્યું હતું.ક્ષદેખીતી રીતે જ ટ્રાવેલ્સના ડ્રાઈવર અને માલિક દ્વારા પ્રત્યેક પ્રવાસીઓ પાસેથી રૂ. 300 વધારાના વસૂલ કરીને પ્રવાસીઓની આરોગ્ય તપાસ વિના જ આ બોગસ રિપોર્ટ આપતા હતા.
ઉપરાંત બસમાં અન્ય 12 પ્રવાસીઓ પાસેથી પણ રિપોર્ટને નામે વધુ પૈસા લેવામાં આવ્યા હતા. ઉપરાંત રાજ્ય સરકારે કોરોનાનો ફેલાવો રોકવા માટે લાગુ કરેલા નિયમોનું પણ ઉલ્લંઘન કરાયું હતું. આ સંબંધે 32 પ્રવાસી, 2 ડ્રાઈવર, 1 ક્લીનર સામે આપત્તિ વ્યવસ્થાપન 2005, ચેપીરોગ પ્રતિબંધ કાયદો 1897ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.
અત્રે નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરને લઈને ફરી સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા થવાની છે એવી માહિતી મળતાં જ ઘણા નાગરિકો, શ્રમિકોએ ગુજરાત, રાજસ્થાન તરફ જે મળે તે વાહનોમાં ઉચાળા ભરવાનું શરૂ કર્યું છે. અગાઉ ગુજરાત રજિસ્ટ્રેશનનાં વાહનો ચેક કરાતા નહોતા. આથી ઘણા બધા પ્રવાસીઓ ગુજરાત રજિસ્ટ્રેશનનાં વાહનોમાં ઉચાળા ભરી ગયા છે.
મહારાષ્ટ્રથી વિના રીપોર્ટે ગુજરાત પ્રવેશવા માટે કેટલાક શ્રમિકો અંતરિયાળ માર્ગથી 50 કિમી પગપાળાં અંતર કાપીને વાપી પહોંચી રહ્યા છે. અહિંથી તેઓ ખાનગી ટ્રાવેેલ્સ બસમાં વતન જઇ રહ્યા છે. વાપીથી દરરોજ 18થી વધુ લકઝરી બસો એમપી, યુપી અને રાજસ્થાન જઇ રહી છે.
લોકડાઉન બાદ મર્યાદિત સંખ્યામાં ઉત્તર ભારતની ટ્રેન શરૂ થઇ છે જેમાં પણ રીઝર્વેશ કર્યા વિના મુસાફરી થઇ શકતી નથી. હાલમાં ટ્રેનમાં ચાર માસનું બુકિંગ ફુલ થઇ ગયું છે, ઉપરાંત લોકોમાં ગમે ત્યારે લોકડાઉન લાગી શકે એવી ભીતિ છે જેથી કરીને શ્રમિક પરિવાર ખાનગી ટ્રાવેેલ્સમાં 3 ગણાં એટલે કે 2200થી 2500 ભાડું ચુકવીને વતન જઇ રહ્યા છે.
વોન્ટેડ સંદીપ કમ્પ્યુટરમાં ચેડા કરી રીપોર્ટ બતાવતો આ કૌભાંડનો સૂત્રધાર સંદીપ ફરાર છે. તે કોમ્પ્યુટરમાં ચેડાં કરીને બોગસ રિપોર્ટ બનાવી પ્રિંટ કઢાવી લેતો હશે એવો અંદાજ છે. હમણાં સુધીની પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે બુકિંગ એજન્ટો દ્વારા વધુ પૈસા લઈને ટિકિટ સાથે બોગસ રિપોર્ટ કઢાવી આપતા હતા, જેમાં સંદીપની ભૂમિકા મુખ્ય છે. તેની શોધ ચાલી રહી છે. જો આ સિવાય ડ્રાઈવર કે ટ્રાવેલ્સવાળાની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં કશું પણ મળી આવે તો તેમની સામે પણ કાર્યવાહી કરીશું, એમ તેમણે જણાવ્યું હતું.
બસના પ્રવાસી, ડ્રાઈવર, ટ્રાવેલ્સના માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં દીપસિંહ નવલસિંહ ચૌહાણ (35), દેવીસિંહ દલપતસિંહ ચાવડા (35), જિતેન્દ્રસિંહ હમીરસિંહ ચૌહાણ (29), ટ્રાવેેલ્સના માલિક હિતેશભાઇ, ટ્રાવેેલ્સના મેનેજર સંદીપ, કર્મચારી જિગ્નેશ પટેલ સહિત સામે કાશીમીરા પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. આરોપીઓ બોગસ રિપોર્ટ ક્યાંથી મેળવતા હતા તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું પીએસઆઇ કુરાડેએ જણાવ્યું હતું.