ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓના ભાગરુપે ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની 48 વિધાનસભા બેઠકના પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. પક્ષ પ્રમુખ સી.આર. પાટિલ દ્વારા નિમણૂંક કરાયેલા વિધાનસભા બેઠક માટેના આ તમામ પ્રભારીઓ વિધાનસભા ચૂંટણી સુધી જે તે મત વિસ્તારમાં પક્ષની પ્રવૃત્તિઓ-સંગઠન, ચૂંટણી વ્યવસ્થા સહિતની જવાબદારીઓ નિભાવશે અને સ્થાનિક નેતાઓ અને કાર્યકરોને માર્ગદર્શન આપશે. પક્ષ પ્રમુખ સી.આર. પાટિલે જાહેર કરેલા 48 પ્રભારીઓની યાદીમાં હાલારના 10 નેતાઓનો સમાવેશ થાય છે. જેમને જુદી જુદી 10 વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. સૌરાષ્ટ્રના કોઇપણ વિસ્તારમાંથી એકસાથે સૌથી વધુ નેતાઓની નિમણૂંક હાલારમાંથી કરીને પાટિલે હાલારનું રાજકીય હિર પારખ્યું છે.
હાલારી નેતાઓની રાજકીય કુનેહ અને તેમના રાજકીય અનુભવને ધ્યાનમાં રાખીને પ્રભારી તરીકે વિશેષ મહત્વ આપી પક્ષમાં હાલારનું ગૌરવ વધારવા સાથે હાલારનો દબદબો પણ જોવા મળ્યો છે. હાલારના (જામનગર અને દ્વારકા જિલ્લો) જે ભાજપના નેતાઓની વિધાનસભા બેઠકના પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમાં કાલાવડ બેઠકના પ્રભારી તરીકે નિલેશભાઇ ઉદાણી, જામનગર ગ્રામ્ય માટે નિર્મળભાઇ સામાણી, જામજોધપુર માટે સુરેશભાઇ વસરા, દ્વારકા માટે હસમુખભાઇ હિંડોચા, ખંભાળિયા માટે નિલેશભાઇ ઓડેદરા, મોરબી માટે દિલીપસિંહ ચુડાસમા, રાજકોટ પશ્ર્ચિમ માટે લાલજી સોલંકી, રાજકોટ દક્ષિણ માટે વસુબેન ત્રિવેદી, રાજકોટ ગ્રામ્ય માટે ચંદ્રેશ પટેલ, કુતિયાણા માટે ચિમનભાઇ શાપરીયા તથા જુનાગઢની વિધાનસભા બેઠકના પ્રભારી તરીકે વિનોદ ભંડેરીની નિમણૂંક કરવામાં આવી છે.
હાલારના જે નેતાઓની વિધાનસભા બેઠક પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તે તમામ નેતાઓ પક્ષના સંગઠન માળખામાં અગાઉ ઉચ્ચ પદો પર ફરજ બજાવી ચૂકયા છે. જ્યારે વસુબેન ત્રિવેદી સરકારમાં મંત્રીપદે રહી ચૂકયા છે. લાલજી સોલંકી ધારાસભ્ય રહી ચૂકયા છે. જ્યારે ચંદ્રેશ પટેલ પાંચ વખત સાંસદ રહી ચૂકયા છે. આ ઉપરાંત નિલેશભાઇ ઉદાણી, હસમુખભાઇ હિંડોચા જામનગર શહેર ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂકયા છે. જ્યારે દિલીપસિંહ ચુડાસમા પક્ષના સંગઠન માળખા ઉપરાંત જાડાના ચેરમેન પણ રહી ચૂકયા છે. તેમના આ બહોળા રાજકીય અનુભવ અને સંગઠનની સુક્ષ્મ સમજણને ધ્યાનમાં રાખી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે આગામી વિધાનસભા ચૂંટણી માટે તેઓને પ્રભારી તરીકેની ખૂબ જ મહત્વની જવાબદારી સોંપી છે. તેઓની રાજકીય કુનેહનો લાભ પક્ષને મળે અને આગામી ચૂંટણીમાં તેના ખૂબ જ સકારાત્મક પરિણામો જોવા મળે તે માટે હાલારના નેતાઓ પર પક્ષપ્રમુખ દ્વારા બહોળો વિશ્ર્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. જે હાલારના ભાજપાઇ સંગઠન માટે ગૌરવની વાત કહી શકાય.