ખંભાળિયામાં નગર ગેઈટ વિસ્તારમાં આવેલા મહેશ્વરી નગર ખાતે રહેતા મુકેશભાઈ નારણભાઈ જોડ નામના 34 વર્ષના યુવાન મંગળવારે રાત્રિના સમયે તેમની દુકાને હતા, ત્યારે અહીંનો અકબર ઉર્ફે હકો અલીભાઈ બ્લોચ નામનો શખ્સ તેમની દુકાનમાં આવ્યો હતો અને તેણે ઉધારમાં ચંપલની માંગણી કરી હતી. જેથી મુકેશભાઈએ ચંપલ આપવાની ના કહેતા આરોપીએ ઉશ્કેરાઈ અને છરી વડે મુકેશભાઈને ડરાવી અને બળજબરીપૂર્વક એક ચપ્પલ લઈ ગયો હતો. આ ઉપરાંત આરોપી દ્વારા ફરિયાદી મુકેશભાઈને ઈંટનો ઘા મારવાનો પ્રયત્ન કરી, બિભત્સ ગાળો કાઢી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આટલું જ નહીં, ઈમરાન નામના અન્ય એક શખ્સે પણ ફરિયાદી મુકેશભાઈને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે અકબર ઉર્ફે હકો અલીભાઈ બ્લોચ અને ઈમરાન નામના આ બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 308, 386, 504, 506 (2), 114 તથા એટ્રોસિટી એક્ટ અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી.-એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.