વિશ્ર્વમાં ફરી એકવાર કોરોના વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચીનમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આ સાથે જ રમત જગત સાથે જોડાયેલા મોટા સમાચાર આવી રહ્યા છે કે, એશિયન ગેમ્સ સ્થગિત કરવામાં આવી છે. ચીની મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
આ વર્ષે એશિયન ગેમ્સ 10થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની હતી. આ વર્ષે ગેમ્સ ચીનના હાંગઝોઉમાં યોજાવાની હતી. આ દરમિયાન એશિયન ઓલિમ્પિક કાઉન્સિલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, હવે આ ગેમ્સને સ્થગિત કરવામાં આવી રહી છે. જો કે એ જણાવવામાં આવ્યું નથી કે આ ગેમ્સને કેમ મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ એવું માનવામાં આવે છે કે ફરી એકવાર કોરોના વાયરસના વધતા પ્રકોપને કારણે આવું કરવામાં આવ્યું છે.
ન્યૂઝ ચેનલ ઈૠઝગ ટીવી અનુસાર, એશિયન ઓલિમ્પિક કાઉન્સિલે 19મી એશિયન ગેમ્સને સ્થગિત કરી દીધી છે, જેને ઓલિમ્પિક પછી બીજું સૌથી મોટું રમતગમતનું આયોજન માનવામાં આવે છે. અગાઉના શેડ્યૂલ મુજબ, ગેમ્સ 10થી 25 સપ્ટેમ્બર દરમિયાન શાંઘાઈથી લગભગ 175 કિમી દક્ષિણ પશ્ર્ચિમમાં આવેલા ઝેજિયાંગ પ્રાંતની રાજધાની હાંગઝોઉમાં યોજાવાની હતી.