ઉમેદવારી નોંધાવવા માટેની અંતિમ તારીખ જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ-તેમ રાજકીય પક્ષોમાં અદલા-બદલીનો સિલસિલો તીવ્ર બન્યો છે. ખાસ કરીને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવવાની જાણે કે હોડ લાગી હોય તેમ એક પછી એક નેતાઓ અને ધારાસભ્યો ચૂંટણી ટાણે જ કોંગ્રેસનું જહાજ પડતું મૂકીને ભાજપમાં જહાજમાં ચડવા માટે દોડ લગાવી રહયા છે. આ સિલસિલામાં તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડનો ઉમેરો થયો છે. તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે તેવો ભાજપમાં જોડાવાની તૈયારીઓ કરી રહયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ચારેય પક્ષો તરફથી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં યુવા નેતા રાઘવ ચઢ્ઢા અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ ગુજરાતમાં સભાઓ ગજવશે. ગઈકાલે 50 વર્ષ સુધી પાર્ટી સાથે જોડાયેલા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. વડોદરામાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે કેજરીવાલ જાદુગર છે, લોકોમાં ભ્રમ ઊભો કરે છે. ગોપાલ ઈટાલિયા કતાર ગામથી ચૂંટણી લડશે. તે ઉપરાંત ભાજપના નેતા અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાએ ટીકિટ મળે તે પહેલાં જ જસદણ બેઠકથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમણે ઓટલા બેઠકો શરૂ કરતાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસમાં મોહન રાઠવા બાદ હવે વધુ એક ધારાસભ્ય ભગાભાઈ બારડ ભાજપમાં જોડાઈ જશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. તો બીજી તરફ ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડોદરાની સયાજીગંજ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસ દ્વારા ચૂંટણી લડવા માટે ભરવી પડતી 10 હજાર રૂપિયાની ડિપોઝિટ લોકોના સમર્થનથી એકત્ર કરી ભરવામાં આવશે. આ અંગે સ્વેજલ વ્યાસે જણાવ્યું હતુ કે, ડિપોઝિટ માટે લોકો પાસેથી માત્ર એક રૂપિયો જ લઇએ છીએ. એક રૂપિયાથી વધુ કશું જ નહીં. એક જ દિવસમાં 9 હજાર રૂપિયા એકત્ર થઇ ચુક્યા છે. આ માટે સોસાયટીઓમાં ફરીને મારા સમર્થકો એક-એક રૂપિયો ઉઘરાવી રહ્યા છે. સાથે જ ઘણા લોકોએ ઓનલાઇન પેમેન્ટથી એક-એક રૂપિયો આપ્યો છે. 10 હજારની રકમ એકત્ર થઇ જતાં અમે વધુ રૂપિયા નહીં લઇએ.