રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ આઈએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યાં હતાં. આ ઓર્ડરમાં જામનગર મ્યુ.કમિશનર સતિષ પટેલની બદલી થઈ હતી. જેમાં જામનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે વિજય ખરાડી નિમણૂંક કરવામાં આવી હતી. આ બદલીના આદેશો બાદ મ્યુ. કમિશનરે તેમનો ચાર્જ વિધિવત સંભાળી લીધો છે અને મુખ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રાથમિક વિગતો મેળવી હતી. વર્ષ 2009 ના બેચના સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના વતની આઈએએસ વિજય ખરાડી બી ઈ કોમ્પ્યુટરની પદવી ધરાવે છે અને શરૂઆત રાજપીપળાના આસી. કલેકટર તરીકે ત્યારબાદ જામનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેમજ સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે ત્યારબાદ છોટા ઉદેપુરના કલેકટર અને બાદમાં દાહોદ કલેકટર તરીકે ફરજ બજાવી છે અને દાહોદ કલેકટર બાદ હવે જામનગરના મ્યુ. કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
આજે સવારે જામનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકે વિજય ખરાડી એ તેમનો ચાર્જ વિધિવત સંભાળ્યો હતો અને જુદી જુદી શાખાઓની મુલાકાત સમયે તેમની સાથે ડીએમસી એ.કે.વસ્તાણી, ચીફ ફાયર ઓફિસર કે.કે. બીશ્ર્નોઇ સહિતના અધિકારીઓ સાથે રહ્યા હતાં. કમિશનર વિજય ખરાડી સામે અનેક સમસ્યાઓ રહેલી છે જેમ કે, શાખાઓમાં થતા ભ્રષ્ટાચાર અટકાવવા અને સફાઈ, આડેધડ ખટકાઇ રહેલાં બાંધકામો, ટી.પી. સ્કીમ સહિતની શહેરની જુદી જુદી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં પદાધિકારીઓ સાથે સંકલન મહત્વનો ભાગ ભજવશે. આગામી કાર્યકાળમાં મ્યુ.કમિશનર કેવી કામગીરી કરે છે ? અને શહેરને કઇ દિશામાં લઇ જાય છે ?