દાઉદી બોહરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ 53 માં દાઈ નામદાર ડો. સૈયદના અબુ જાફરુર-સાદિક આલીકદર મુફદ્દલ (ત.ઉ.શ.)નું ગત સાંજે ખંભાળિયામાં ભવ્ય આગમન થયું હતું. તેમના ઈસ્તેકબાલ વાસ્તે સમાજના જમાઅત કમિટીના આગેવાનો તથા આમિલ સાહેબ મુ. ઇબ્રાહીમભાઈ તથા સમાજના લોકો ઉપસ્થિત થયા હતા. અહીં સૈયદના સાહેબને સમાજના યુવાનો દ્વારા ખાસ વાહનો મારફતે પાયલોટિંગ કરી અને શહેરના મુખ્ય દ્વારથી કડીયાવાડ સુધી સ્વાગત કરી, સ્વાગત કરી અને અહીં પધાર્યા હતા.
જેમાં હુસેનભાઈ ભારમલ, મુસ્તફા વાઘેલા, મુફ્ફદલ વાઘેલા, જુજર નાથાણી ઈબ્રાહીમ હાશાની, વગેરે ખીદમત આપી હતી. બદરી મસ્જિદ (કડિયાવાડ) ખાતે સમાજના લોકોને કદમ બોશીનું શરફ આપેલ હતું. ત્યાર બાદ સમાજના જુદા-જુદા લોકોના નિવાસ્થાને પાવન કદમ કરેલા હતા.
ત્યારબાદ વોહરા વાડની નૂર મસ્જિદમાં વાએઝ કરી અને મગરીબ ઈશાની નમાઝ અદા કરવામાં આવી હતી. આ પછી અત્રે પોરબંદર રોડ ઉપર આવેલી સૈયદી લુકમાનજી શહીદની દરગાહમાં તશરીફ લાવી અને ત્યારબાદ ડો. સૈયદના સાહેબ પોરબંદર જવા રવાના થયા હતા. આ પ્રસંગે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાંથી પધારેલા જ્ઞાતિજનો માટે દરગાહ ખાતે ગતરાત્રીના ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયામાં શહેરમાં આશરે 70 વર્ષ બાદ બોહરા સમાજના દાઇ પધાર્યા હતા. જેને જ્ઞાતિજનોએ આવકારીને ધન્યતા અનુભવી હતી.