શ્રાવણ માસ આવતા જ તહેવારોની સિઝનનો પ્રારંભ થઇ જાય છે. જન્માષ્ટમી, સ્વાતંત્ર્ય પર્વ, રક્ષાબંધન, વ્રતો સહિત અનેકવિધ તહેવારો શ્રાવણ માસમાં આવતાં હોય છે. શ્રાવણ માસના પ્રારંભથી જ ઉજવણીનો માહોલ જોવા મળતો હોય છે. ભાઇ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનનું પર્વ નજીક આવી રહ્યું છે. શ્રાવણ સુદ પૂનમના રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવે છે. રક્ષાબંધનના પર્વને આજે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જામનગર શહેરની બજારોમાં અવનવી રાખડીઓનું આગમન થઇ ચૂકયું છે. બાળકોથી લઇ મોટેરાઓ સુધીના અલગ અલગ ઉંમરના લોકો માટે વિવિધ ડિઝાઇનોવાળી રાખડીઓ બજારમાં વહેચાઇ રહી છે.
બાળકો માટેની રાખડીઓમાં લાઇટવાળી રાખડી, કાર્ટુનની રાખડીઓમાં મોટુ પપલુ, પિકાચુ, સ્પાઇડરમેન, મિકિમાઉસ, ટ્વિટબર્ડ, ટોમ એન્ડ જેરી, છોટાભીમ સહિતની અનેક વેરાયટીઓ બજારમાં આવી છે. આ ઉપરાંત લાઇટવાળી રાખડીઓ તેમજ હાલના 21 સદીના મોબાઇલ યુગમાં મોબાઇલ ગેમને લગતી અનેક રાખડીઓ પણ બજારમાં જોવા મળી રહી છે. ખાસ કરીને બાળકોને, યુવાનોને ઘેલુ લગાડનાર પબજી ગેમની ડિઝાઇનવાળી રાખડીઓ પણ આ વર્ષે બજારમાં આવી છે. તો બીજીતરફ યુવાનો અને મોટેરાઓ માટે ગણપતિ, સાથિયો, મોરપીંછ, શ્રીરાધે સહિતના લખાણ તથા ડિઝાઇનવાળી રાખડીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે. આવી અવનવી વેરાયટીઓની રાખડીઓની સાથે સાથે પૌરાણિક પરંપરાગત રાખડીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે. છેલ્લા થોડા સમયથી ભાઇની સાથે સાથે ભાભીને પણ રાખડી બાંધવાનો ટ્રેન્ડ શરુ થયો હોય, ભાઇ-ભાભી માટેની જોડીવાળી રાખડી પણ બજારમાં જોવા મળતી હોય છે. આ વર્ષે રાખડીઓની સાથે સાથે પૂજન સામગ્રીનો ટે્રન્ડ પણ વધ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. કંકુ,ચોખા, ચંદન અને સાકર સાથેની પૂજન સામગ્રીઓવાળી થાળી સહિતની ચીજવસ્તુઓ પણ બજારમાં જોવા મળી રહી છે. બજારમાં રૂા. 3થી લઇને અંદાજિત 500 સુધીની અવનવી અને આકર્ષક રાખડીઓ બજારમાં વહેંચાઇ રહી છે.