રવિવારે જામનગર જિલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદનું આગમન થયું હતું અને કાલાવડ પંથકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો તેમજ ભીમાનુ ગામમાં વીજળી પડતા બે બળદના મોત નિપજ્યા હતાં. જામજોધપુર પંથકમાં અડધો ઈંચ પાણી વરસ્યું હતું. જ્યારે લાલપુરમાં સામાન્ય છાંટા પડયા હતાં.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહથી અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો હતો અને આ ગરમીની અકળામણ વચ્ચે અચાનક ઠંડો પવન આવતા રાહત અનુભવાઈ છે. રવિવારે પણ આવી જ પરિસ્થિતિ વચ્ચે બપોર પછી વાદળછાયા હવામાન વચ્ચે કાલાવડમાં ચાર થી છ દરમિયાન બે કલાકમાં એક ઈંચ જેટલું પાણી વરસતા મહદઅંશે બફારામાંથી રાહત મળી હતી. તેમજ ખરેડીમાં અડધો ઈંચ અને મોટાવડાળામાં પોણો ઈંચ પાણી વરસ્યું હતું. જ્યારે જામજોધપુર તાલુકાના શેઠવડાળામાં અડધો ઈંચ તથા ધૂનડામાં સામાન્ય ઝાપટા પડયાના અહેવાલ છે અને લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં જોરદાર ઝાપટુ વરસ્યું હતું. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકા કોળા ધાકોડ રહ્યા હતાં. કાલાવડ પંથકમાં વરસાદની સાથે વીજળીના ચમકારા પણ જોવા મળ્યા હતાં અને કાલાવડ તાલુકાના ભીમાનુ ગામમાં આકાશી વીજળી પડતા બે બળદના મોત નિપજ્યાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે.