જામનગર શહેર અને જિલ્લામાં તસ્કરોનો રંજાડ દિવસને દિવસે વધી રહ્યો છે. આ ચોરીઓ બનતી અટકાવવા માટે પોલીસ દ્વારા ઈન્વેસ્ટીગેશન કરવામાં આવી રહ્યું છે અને પેટ્રોલિંગ પણ ચાલુ રાખવામાં આવ્યું છે તેમ છતાં ચોરીના બનાવ સતત વધતા જાય છે. બે દિવસ પહેલાં જલાની જાર બુટાના કુવાવારી શેરીમાં રહેતાં વૃદ્ધા એકલાં હતાં ત્યારે અજાણી મહિલાએ ઘરમાં ઘુસી 2.88 લાખના દાગીનાની ચોરીના બનાવમાં સિટી એ પોલીસે ગણતરીના કલાકોમાં જ તસ્કર મહિલાની ધરપકડ કરી છે.
છેલ્લાં ઘણાં સમયથી જામનગર શહેર અને જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધતા જાય છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરોના વધી રહેલા રંજાડથી લોકો ત્રાસી ગયા છે અને પોલીસ પેટ્રોલિંગ તથા કામગીરી પર અનેક તર્ક-વિર્તકો થઈ રહ્યા છે. બે દિવસ પહેલાં જ જામનગર શહેરમાં જલાની જાર પાસે બુટાના કુવાવારી શેરીમાં રહેતા સવિતાબેન મુકુંદરાય દવે નામના વૃદ્ધા તેમના ઘરે એકલા હતાં ત્યારે સવારના સમયે અજાણી કેસરી કલરની સાડી પહેરેલ અજાણી મહિલાએ ઘરમાં ઘુસીને વૃદ્ધાના હાથમાં પહેરેલ રૂા.2,88,400 ની કિંમતની સાડા છ તોલાની કિંમતની સોનાની બંગડીઓ અને એક જોડી ચાદીની બંગડીની લૂંટ ચલાવી પલાયન થઈ ગઈ હતી.
ચોરીના બનાવમાં પોલીસની તપાસ દરમિયાન સીસીટીવી ફુટેજમાં અજાણી મહિલા નજરે પડતા પોલીસે આ મહિલાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન શિવરાજસિંહ રાઠોડ, રૂષિરાજસિંહ જાડેજા, રવિ શર્માને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, રાજેન્દ્રસિંહ ડોડિયા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, મહેન્દ્રભાઈ પરમાર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની મહિલા ચાંદીબજાર બુગદાવાળી શેરીમાં હોવાની જાણ થતા પોલીસ કાફલો ચાંદીબજાર પહોંચી ગયો હતો.
પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વર્ણન મુજબની મહિલા સોનીબજારમાંથી મળી આવતા અટકાયત કરી તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2,88,400 ની કિંમતની બે જોડી સોનાની 64 ગ્રામની બંગડીઓ તથા ચાંદીની એક જોડી બંગડી મળી આવતા પોલીસે રેખાબેન અરવિંદ બેવાસી (ઉ.વ.27) (રહે.રણજીતરોડ, ગોદરીયાવાસ, ફુલિયા હનુમાનજી મંદિર પાસે) નામની મહિલાની ધરપકડ કરી લૂંટનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.