જામનગરના શંકરટેકરીમાં રહેતા શખ્સના રહેણાંક મકાનમાં એસઓજીની ટીમે રેઇડ દરમિયાન 760 ગ્રામ ગાંજાના જથ્થા સાથે શખ્સને ઝડપી લઇ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના શંકરટેકરી વિસ્તારમાં સુભાષ પુરા શેરી નં.2માં રહેતા શાહિદ ઉર્ફે શાહુ શેરમામદ નોયડા નામના શખ્સના મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની એસઓજીના સંદિપ ચૂડાસમા અને અનિરૂધ્ધસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી ઇન્ચાર્જ પીઆઇ આર.વી.વિંછી અને પીએસઆઇ વી.કે.ગઢવી તથા સ્ટાફે રેઇડ દરમિયાન શાહિદના ઘરમાંથી ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો આયાત કરીને તેનું ખાનગીમાં વેચાણ કરતાં 760 ગ્રામ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા 8,300ની કિંમતનો ગાંજો કબજે કરી લીધો છે અને આરોપી શાહિદ શેરમામદની ધરપકડ કરી હતી. ગાંજાનો જથ્થો કયાંથી આયાત કર્યો છે. અને અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે જે તમામ વિગતો માટે આરોપીને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.