ખંભાળિયાના ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારના અગ્રણી તેમજ સેવાભાવી કાર્યકર દ્વારા પુત્રના જન્મદિવસ નિમિત્તે અનેકવિધ સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયાના ધરમપુર વિસ્તારના પૂર્વ સરપંચ લાલજીભાઈ ખાખીના પૌત્ર અને તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તેમજ સતવારા અગ્રણી રસિકભાઈ નકુમના પુત્ર સ્મિતનો ગઈકાલે સોમવારે જન્મદિવસ હોય, આ પ્રસંગે ગત સાંજે ધરમપુર વિસ્તારમાં આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 211 રક્તદાતાઓએ રક્તદાન કરી સેવાની જ્યોત જલાવી હતી. આ સાથે ત્રણ પેઢીના પીઢ સેવાભાવી ધનજીભાઈ અમરાભાઈ ગોવાળનું પણ રક્તતુલા કરી અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જુદા જુદા ચાર મંદિરોમાં નુતન ધ્વજારોહણના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
આ આયોજનોમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, જામનગર જિલ્લા મહામંત્રી મેરામણભાઈ ભાટુ, મહિલા અગ્રણી નિમિષાબેન નકુમ, જાણીતા ઓર્થોપેડિક ડોક્ટર અમિત નકુમ, ઇન્દ્રજીતસિંહ પરમાર, જગદીશભાઈ મોદી સહિતના આગેવાનો, કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રેરક સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં સાધુ-સંતો તેમજ કિન્નર સમાજે પણ ખાસ ઉપસ્થિત રહી અને આશીર્વાદ પાઠવ્યા હતા.