દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નાના એવા ઝારેરા ગામના સગર યુવાન દિલીપભાઈ સોલંકીનું ગઈકાલે ઓરિસ્સા ખાતે કોબ્રા કમાન્ડોની ટીમમાં ફરજ દરમિયાન અવસાન થતા ભાણવડ પંથક સાથે સમગ્ર જિલ્લામાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
આ કરુણ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાબેના ઝારેરા ગામે રહેતા સગર ગોવાભાઈ મેસાભાઈ સીર (સોલંકી)ના નાના પુત્ર એવા 26 વર્ષના સગર યુવાન દિલીપભાઈ સોલંકી આજથી આશરે સાત વર્ષ પૂર્વે આર્મીની કઠિન ટ્રેનિંગ પાસ કરીને ભારતીય લશ્કરમાં જોડાયા હતા. અહીં તેમને કોબ્રા કમાન્ડો તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.
બે ભાઈઓમાં નાના અને અપરિણીત તેવા સગર દિલીપભાઈ સોલંકી ગઈકાલે ઓડિશા ખાતે તેમની ફરજ પર હતા તે દરમિયાન તેમનું મૃત્યુ નિપજયાના સમાચાર અહીં આવતા ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. મૃતક દિલીપભાઈ સગરના નસ્વર દેહને આજરોજ સવારે અમદાવાદ ખાતેના એરપોર્ટથી બપોરે તેમના વતન ઝારેરા ખાતે લાવવામાં આવનાર હોવાનું તેમજ અહીંથી સાંજે ભાણવડ નજીકના ત્રિવેણી સંગમ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલીપભાઈ સોલંકીની થોડા સમય પૂર્વે સગાઈ થઈ હતી અને આગામી માસમાં તેમના લગ્ન પણ થનાર હોવાનું જાણવા મળ્યું છે. આશાસ્પદ યુવાન અને દેશના વીર જવાનના અકાળે અવસાનના બનાવે સમગ્ર ભાણવડ પંથકમાં ઘેરા શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.