આગામી દિવસોમાં મહોરમ, 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તેમજ પારસી નુતનવર્ષ જેવા તહેવારો આવતા હોય છે. જેને અનુલક્ષીને, જામનગર જિલ્લામાં કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને, તે માટે તકેદારી રાખવી જરૂરી છે.
તેથી સમગ્ર જિલ્લામાં આગામી તા. 09/08/2023 સુધી કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઈપણ પ્રકારના સાધન, કોઈપણ પ્રકારના ક્ષયકારી, સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો, ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ અને પૂતળાં દેખાડવા કે બાળવા નહીં.
આ ઉપરાંત, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા, ટોળામાં ફરવું તેમજ પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ અને એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલમાં પ્રવેશ કરવો- આવી તમામ પ્રવૃતિઓ પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર, જામનગર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ જાહેરનામાંનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ- 1951 ની કલમ-135 (1) મુજબ દંડની સજા, ઓછામાં ઓછાં 4 મહિનાની અને વધુમાં વધુ 1 વર્ષની કેદની સજા થશે. જાહેરનામું ફરજ પરના હાજર અધિકારીઓ, કર્મચારીઓ, હોમ ગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો કે જેઓને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ જેઓ હથિયાર ધરાવતા હોય, શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી હોય, પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓ, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજા, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓએ દંડ રાખેલ હોય, પોલીસ અધિક્ષક અથવા તેમણે નિયુક્ત કરેલા અધિકારીની કાયદેસરની પરવાનગી મેળવેલા વ્યક્તિ અને કિરપાણ રાખેલા શીખને લાગુ પડશે નહિ.