ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ સાત વર્કિંગ પ્રેસિડેન્ટની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં પાંચ ધારાસભ્યોને પણ સમાવવામાં આવ્યા છે.
અગાઉ વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે હાર્દિક પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, હાર્દિક પટેલે પક્ષપલટો કરતા આ સ્થાન ખાલી પડ્યુ હતુ. હાઇકમાન્ડે જ્ઞાતિવાદ આધારે વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે 7ની નિમણૂંક કરી છે. હાઇકમાન્ડે ધારાસભ્ય લલિત કગથરા, જીજ્ઞેશ મેવાણી, ઋત્વિક મકવાણા, અમરીશ ડેર અને હિંમતસિહ પટેલને વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્તિ કરી હતી. આ ઉપરાંત કાદીર પિરઝાદા અને ઇન્દ્રવિજય ગોહિલને પણ વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી આપવામાં આવી છે. ટૂંકમાં, કોંગ્રેસ પાટીદાર, દલિત, ક્ષત્રિય, લઘુમતી ઉપરાંત કોળી જ્ઞાતિને સાચવવા પ્રયાસ કર્યો છે. ગઇકાલે જ હાઇકમાન્ડે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓબ્ઝર્વરની નિમણૂકો કરી છે. અમદાવાદ-પૂર્વમાં ઓબ્ઝર્વરપદે પ્રેમસાઇ સિંઘ ટેકમ અને હકમ અલીખાનની નિયુક્તિ કરી છે જયારે અમદાવાદ-પશ્ચિમમાં શંકુતલા રાવત અને અશોક ભૈરવાને ઓબ્ઝર્વર તરીકે નિમાયા છે.