આંતરરાષ્ટ્રીય સ્તરે ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે રજની કેસરીની નિમણૂકની જાહેરાત કરી હતી. તેઓ 2 જાન્યુઆરી, 2023ના રોજ કે એ અગાઉ ચાર્જ સંભાળશે. ઉદ્યોગ, ઉત્પાદન અને ફાર્માસ્યુટિકલ તમામ ક્ષેત્રોમાં વ્યવસાયિક જોડાણ, ફાઇનાન્સ ક્ધટ્રોલરશિપ, એકાઉન્ટિંગ, કરવેરા અને ઓડિટમાં પોતાના બહોળા અનુભવ સાથે તેઓ કંપનીની ફાઇનાન્શિયલ કામગીરી સંભાળશે.
આ નિમણૂક પર નયારા એનર્જીના સીઇઓ ડો. એલોઇસ વિરાગે કહ્યું હતું કે, આ વ્યવસાય અને વૃદ્ધિની દ્રષ્ટિએ નયારા એનર્જી માટે નોંધપાત્ર વર્ષ બની રહ્યું છે. રજની કેસરી નાણાકીય કુશળતા, લીડરશિપ અને વ્યૂહાત્મક વિચારક્ષમતામાં અસરકારક અનુભવ અને ટ્રેક રેકોર્ડ ધરાવે છે, જે અમારા ફાઇનાન્શિયલ એજન્ડાને આગળ વધારવામાં મદદરૂપ થશે અને અમારી વૃદ્ધિની સફરના આગામી તબક્કામાં લાભદાયક પુરવાર થશે. કેસરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કોસ્ટ એકાઉન્ટન્ટ છે. તેઓ અમેરિકાની અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ્સમાંથી સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ પણ છે. તેઓ ભારત અને વિદેશી બજારો એમ બંનેમાં વ્યવસાયિક અસર લાવવા વહીવટ અને નીતિનિયમોના ક્ષેત્રમાં સારો અનુભવ લાવશે. તેઓ હોલ્સિમ ગ્રૂપમાંથી નયારામાં જોડાયા છે, જ્યાં તેઓ હોલ્સિમ ઇન્ડિયા અને અંબુજા સિમેન્ટ્સ, એસીસી લિમિટેડ માટે સીએફઓ હતા. તેઓ એશિયા પેસિફિક રિજન માટે પણ સીએફઓ હતા. આ અગાઉ તેઓ સ્નાઇડર ઇલેક્ટ્રિક અને ડો. રેડ્ડીસ સાથે જોડાયેલા હતા, જ્યાં તેઓ ભારત, પૂર્વ એશિયા અને જાપાન તથા યુરોપ માટે સીએફઓ હતા.
તેઓ થર્મેક્સ લિમિટેડના બોર્ડ પર સ્વતંત્ર ડિરેક્ટર પણ છે અને તાજેતરમાં તેમને વીક્વાલ એવોર્ડ 2022માં ફાઇનાન્સ કેટેગરીમાં એશિયા પેસિફિક વૂમન લીડર તરીકે એવોર્ડ પણ એનાયત થયો હતો. આ નિમણૂક પર રજની કેસરીએ કહ્યું હતુ કે, નયારા એનર્જીએ હાલના અને નવા એમ બંને બજારોમાં આગળ જતાં નોંધપાત્ર તક સાથે એની વૃદ્ધિ વ્યૂહરચના પર સારી પ્રગતિ કરી છે. હું નફાકારક વૃદ્ધિને આગળ વધારવા કંપનીની નાણાકીય કામગીરીનું નેતૃત્વ કરવા આતુર છું.