35 દિવસથી વરસાદ નહીં વરસતાં ઉભી થયેલી અછતની સ્થિતિને ધ્યાનમાં લઇ જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લામાં પણ નહિંવત વરસાદને કારણે કૃષિને ભારે નુકસાન પહોંચતાં અછતની સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી તાકિદે રાજ્ય સરકારની નવી પોલીસી અનુસાર ખેડૂતોને સહાય ચૂકવવા જિલ્લા કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કર્ણદેવસિંહ જાડેજાની આગેવાની હેઠળ કોંગી આગેવાનો જીવણ કુંભરવડીયા, ભીખુભાઇ વારોતરીયા, સારાહ મકવાણા વગેરેએ કલેકટર કચેરીએ જઇને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાનુસાર રાજ્ય સરકારની નવી અછત પોલીસમાં દર્શાવાયા મુજબ 28 દિવસ સુધી જો વરસાદ ન થાય તો ખેડૂતોને સહાય ચૂકવવાની થાય છે. આવી સ્થિતિમાં જામનગર જિલ્લામાં છેલ્લા 35 દિવસથી વરસાદ થયો ન હોય, સમગ્ર જિલ્લાની દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઇએ. ઉપરાંત પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા તેમજ આગામી સમયમાં ઉભી થનારી પીવાના પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે આગોતરું આયોજન ઘડી કાઢવા માગણી કરવામાં આવી છે.