જામનગરના એમ.પી. શાહ ગર્વમેન્ટ મેડિકલ કોલેજ તથા ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આઉટસોર્સથી ફરજ બજાવી રહેલા કર્મચારીઓ દ્વારા પગાર વધારો કરવા સહિતની માંગણીઓ અંગે આજરોજ આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી તેઓ આઉટસોર્સથી ફરજ બજાવતાં હોય, તેમ છતાં પડતર માંગણીઓ અંગે નિરાકરણ આવ્યું નથી. હાલમાં કોરોના મહામારીમાં ફરજ માટે ભરતી કરેલ દરેક કેડરના નવા અને બિનઅનુભવી સ્ટાફને ખૂબ જ વધુ પગાર આપવામાં આવે છે. પરંતુ તે જ કામ વર્ષોથી કરતાં અનુભવી સ્ટાફને યોગ્ય પગાર આપવામાં આવતો નથી. આઉટસોર્સના કર્મચારીઓ છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીમાં જીવના જોખમે નિષ્ઠાપૂર્વક કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહ્યાં છે. આમ છતાં તેમના પડતર પ્રશ્ર્નો જેવા કે, સમાનકામ, સમાન વેતન, સમાન જોખમ ઉપરાંત કાયમી કર્મચારીઓના લાભ આપવા આઉટસોર્સિંગ નાબુદ કરી કાયમી કર્મચારી તરીકે નિમણૂંક આપવા પગાર મહિનાની તા. 1 થી 5 સુધીમાં કરી આપવા, હક્ક રજાના રૂપિયા પણ સરકારના આદેશ મુજબ મળ્યા ન હોય, આવા વિવિધ પ્રશ્ર્નો અંગે રજૂઆત કરવામાં આવી છે. આ પડતર પ્રશ્ર્નો અંગે તા. 12 સુધીમાં તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.